જોકોવિચના ઈતિહાસ રચવાના માર્ગમાં નડાલ, ફેડરરનો પડકાર

જોકોવિચના ઈતિહાસ રચવાના માર્ગમાં નડાલ, ફેડરરનો પડકાર
પહેલી વખત સેરેના વિલિયમ્સ નથી ખિતાબની પ્રબળ દાવેદાર : હાલેપ પાસે સુવર્ણ તક

પેરિસ, તા. 25 : નોવાક જોકોવિચ રવિવારથી શરૂ થઈ રહેલા ફ્રેન્ચ ઓપનના મુખ્ય મુકાબલામાં ઉતરશે તો તેની નજર બીજી વખત એકસાથે ચારેય ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરવા ઉપર રહેશે. ટેનિસ ઈતિહાસમાં જોકોવિચ પહેલા ડાન બુડગે અને રાડ લાવેર જ એક સાથે ચાર ગ્રાન્ડ સ્લેમમાં વિજેતા રહી ચૂકયા છે. જો કે ટૂર્નામેન્ટમાં દિગ્ગજ રોજર ફેડરરની વાપસી અને ગત વિજેતા નાડાલે ફોર્મ પરત મેળવતા જોકોવિચનો રસ્તો સરળ રહેશે નહી. જોકોવિચ, નાડાલ અને ફેડરર ઉપરાંત વિશ્વ રેન્કિંગમાં ચોથા ક્રમાંકે રહેલો ડોમિનિક થિએમ અને છઠ્ઠા ક્રમાંકનો ખેલાડી સેટેફાનોસ સિટસિપાસ પણ ખિતાબ જીતવાના દાવેદાર છે. થિએમ ગયા વર્ષે નાડાલ સામે હારીને ઉપ વિજેતા રહ્યો હતો.   બીજી મહિલા ખેલાડીઓમાં  ઈજાથી પરેશાન દિગ્ગજ  ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ 20 વર્ષમાં પહેલી વખત ફ્રેન્ચ ઓપનના પ્રબળ દાવેદારોમાં સામેલ નથી. જ્યારે પહેલા ક્રમાંકે રહેલી જાપાનની નાઓમી ઓસાકાને ફોર્મ પરત મેળવવું પડશે. આ બન્ને ખેલાડીઓ લયમાં ન હોવાના કારણે વર્તમાન ચેમ્પિયન સિમોના હાલેપ જીતની પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. રોમાનિયાની હાલેપ ક્લે કોર્ટના દમદાર ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer