મુસ્લિમ મહિલા નવજાત શિશુનું નામ રાખશે `નરેન્દ્ર દામોદરદાસ મોદી''

ગોંડા (ઉત્તર પ્રદેશ), તા. 25 (પીટીઆઈ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇને ઉત્તર પ્રદેશમાં ગોંડા જિલ્લાના પર્સાપુર મહાશૈર ગામની મુસ્લિમ મહિલા મિનાઝ બેગમે તેના પુત્રનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સંબોધતી એફિડેવિટ નોંધાવી છે. તેણે એફિડેવિટ આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ અૉફિસર (પંચાયત) ઘનશ્યામ પાંડેને સુપરત કરી છે.
ગત 23મી મેના દિવસે મતગણતરીમાં વડા પ્રધાન મોદીનો વિજય થયો ત્યારે મિનાઝ બેગમના ઘરમાં નવજાત શિશુનું નામ શું પાડવું તે વિશે ચર્ચા થઈ રહી હતી. તે સમયે મિનાઝ બેગમને પુત્રનું નામ નરેન્દ્ર મોદી રાખવાનો વિચાર આપ્યો હતો. તે સમયે તેનાં સગાંસંબંધીઓએ આ વિચાર બદલી નાખવા સમજાવી હતી. તેનો પતિ મુશ્તાક અહમદ દુબઈમાં રહે છે. તેણે પણ મિનાઝ બેગમને વિચાર પડતો મૂકવા કહ્યું હતું, પરંતુ આખરે તેણે પત્નીની જીદ સ્વીકારી હતી એમ મિનાઝ બેગમના સસરા ઇદ્રીસે જણાવ્યું હતું.
બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવા માટેની એફિડેવિટમાં મિનાઝ બેગમે મોદીની અને તેમની ગરીબોને વિનામૂલ્યે રાંધણગૅસનું જોડાણ અને શૌચાલય બાંધવા નાણાકીય સહાય જેવી કલ્યાણકારી યોજનાઓની મુક્તકંઠે પ્રશંસા કરી છે. મોદીએ ટ્રિપલ તલાકની પ્રથા ખતમ કરવા કરેલી પહેલની પણ તેણે પ્રશંસા કરી છે.
ઘનશ્યામ પાંડેનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે અમને શુક્રવારે એફિડેવિટ મળી છે. તે વિશે કાયદા મુજબ કાર્યવાહી કરાશે.
ઇન્દ્રીસે જણાવ્યું હતું કે બાળકનું નામ પાડવાની બાબત એ પરિવારનો વિષય છે. તેમાં કોઇએ દખલ કરવી જોઇએ નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer