મહારાષ્ટ્રમાં ભાજપના વોટશૅરમાં નજીવો વધારો

શિવસેનાનો વોટશૅર 2.47 ટકા વધ્યો

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો હોવા છતાં મહારાષ્ટ્રમાં તેના વોટશૅરમાં 2014ની સરખામણીમાં નજીવો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં ભાજપે 2014ની 23 બેઠકો આ વખતે પણ જાળવી રાખી છે. બીજી બાજુ શિવસેનાના વોટશૅરમાં 2014ની સરખામણીમાં 2.47 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ભાજપનો વોટશૅર જે 2014માં 27.56 ટકાનો હતો તેમાં આ વેળા નજીવો વધારો થયો છે અને તે 27.59 ટકા પર પહોંચ્યો છે. શિવસેનાનો વોટશૅર જે 2014માં 20.82 ટકા હતો તે આ વેળા વધીને 23.29 ટકા થયો છે. ભાજપ અને શિવસેના એ તેની બેઠકો જાળવી રાખી છે. ભાજપે 23 અને શિવસેનાએ 18 બેઠકો જીતી છે.
આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 2014માં 1,33,08,961 મત મળ્યા હતા. તેની સરખામણીમાં આ વખતે 1,49,12,139 મત મળ્યા છે.
શિવસેનાને 2014માં 1,00,50,652 મત મળ્યા હતા. તેની સરખામણીમાં આ વખતે 1,25,89,064 મત મળ્યા છે.
કૉંગ્રેસ અને એનસીપીનો વોટશૅર અનુક્રમે 2014ના તેમના વોટશૅર 18.29 ટકા અને 16.12 ટકાની સરખામણીમાં આ વખતે 16.27 ટકા અને 15.52 ટકા રહ્યો હતો.
કૉંગ્રેસને ગયા વખતના 88,30,190 મતની સરખામણીમાં આ વખતે 87,92,327 મત મળ્યા હતા.
એક વખત મહારાષ્ટ્ર જેનું ગઢ ગણાતું હતું તે કૉંગ્રેસને આ વેળા મોદી લહેરમાં માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડયો છે. એનસીપીએ મહારાષ્ટ્રમાં 2014ની તેની ચાર બેઠકો જાળવી રાખી હતી. તેને 2014માં 77,82,275 મત મળ્યા હતા. આ વખતે 83,87,363 મત મળ્યા હતા.
રાજ્યમાં એનડીએ એ 48 બેઠકોમાંથી 41 બેઠકો જીતી લીધી હતી. બાકીની સાત બેઠકોમાંથી એનસીપીએ 4, કૉંગ્રેસ એક, એઆઈએમઆઈએમએ 1 અને એનસીપીના ટેકાવાળા અપક્ષે 1 બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં આ વેળા સરેરાશ 60.98 ટકા મતદાન થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer