લોકસભામાં જશે 49 વિધાનસભ્ય

14 રાજ્યમાં થશે પેટાચૂંટણી

નવી દિલ્હી, તા. 25 : લોકસભા ચૂંટણીમાં 49 વિધાયક, બે વિધાન પરિષદ સભ્ય અને ચાર રાજ્યસભા સાંસદોએ જીત મેળવી છે. જેના કારણે આગામી થોડા મહિનામાં ચૂંટણી પંચને 14 રાજ્યોમાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડશે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ સૌથી ઉપર છે. જ્યાંથી 11 વિધાયક સાંસદ બન્યા  છે. બિહારમાં પાંચ વિધાયક અને બે વિધાન પરિષદ સભ્ય સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
કુલ 41 વિધાનસભા બેઠક અને બે વિધાન પરિષદ સભ્ય પદ માટે આગામી છ મહિનાની અંદર ચૂંટણી થશે. કારણ કે નવા ચૂંટાયેલા સાંસદોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. જેમાં બે ઓરિસ્સાની બેઠકનો પણ સમાવેશ થાય છે. જ્યાં સીએમ નવીન પટનાયકને હિંજિલી કે બીજેપુર બેમાંથી એક બેઠક પસંદ કરવી પડશે. આ દરમિયાન મહારાષ્ટ્રની છ વિધાનસભા બેઠક, ઝારખંડની બે, હરિયાણાની એક બેઠક ઉપર પેટાચૂંટણી નહી થાય. કારણ કે આ રાજ્યમાં આગામી છ મહિનામાં ચૂંટણી થવાની છે. બીજી તરફ સપા-બસપા ગઠબંધનને આગામી  છ મહિનામાં વધુ એક પરિક્ષા આપવી પડશે. રાજ્યમાં કુલ 11 બેઠક ગોવિંદનગર, ટુંડલા, લખનઉ કેંટ, ગંગોહ, બલ્હા, માનિકપુર, ઈગલાસ, જૈદપુર, પ્રતાપગઢ, જલાલપુર અને રામપુરમાં પેટાચૂંટણી થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer