ડાબેરીઓના હાથમાંથી કેરળ પણ ગયું, તમિળનાડુ જ બચ્યું ?

ચેન્નાઈ તા. 2પ: લોકસભા ચૂંટણીમાં સામ્યવાદી પક્ષોને સૌથી મોટો ઝાટકો તેના જ ગઢ કેરળમાં લાગ્યો છે, જયાં રાજય સરકાર ડાબેરી છે. જો કે ડાબેરી માટે રાહતના સંકેત પડોશી રાજય તમિળનાડુમાંથી મળ્યા છે. ગઈ સામાન્ય ચૂંટણીમાં સીપીઆઈ અને સીપીએમને એક પણ બેઠક મળી ન હતી,  આ વખતે બેઉએ ઠીક સરસાઈથી બે-બે બેઠકો મેળવી છે.
તમિળનાડુમાં ડાબેરી માટે આ સમર્થન અચાનક નથી વધ્યું. દ્રમુક સાથે મળી બિનભાજપી મોરચો બનાવવાના નિર્ણયનો તેને લાભ થયો છે. સીપીએમ નેતા અને કેરળના પૂર્વ મંત્રી એમએ બેબીએ જણાવ્યું હતું કે તમિળનાડુ પ્રગતિશીલ અને ધર્મનિરપેક્ષ રાજ્ય છે. રાજ્યનો ઈતિહાસ જીવા જેવા મોટા સામ્યવાદી નેતાઓ અને એસપી ચિથન જેવા કામદાર નેતાઓનો રહ્યો છે. લોકો પેરિયારની શીખનું પાલન કરશે ત્યાં સુધી સામ્યવાદ જીવિત રહેશે.
તમિળનાડુમાં સીપીએમના નેતા જી. રામકૃષ્ણને જણાવ્યું હતું કે દ્રમુકે ડાબેરી પક્ષોનું સમ્માન કર્યૃ, તેના કારણે ગઠબંધન શકય બન્યું. શરૂઆતથી જ આમાં જીત હતી. કેન્દ્રની નીતિઓથી લોકો પરેશાન હતા, રોષિત હતા અને અમારુ ગઠબંધન જીત્યું. જો કે એમ માનવામાં આવતું હતું કે પોતાની જીત માટે ડાબેરી દ્રવિડિયન દ્રમુક પર નિર્ભર હતા, જયારે પણ સીપીએમ કે સીપીઆઈએ તમિળનાડુમાંથી સંસદમાં મોકલ્યા છે ત્યારે દ્રમુક કે એઆઈએડીએમકેની મદદથી મોકલ્યા છે. '14ની લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓએ ગઠબંધન નહોતું કર્યુ અને કોઈ પક્ષ જીતી શકયો ન હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer