વિદેશી કંપનીઓને ચીનમાંથી ભારત લાવવા તૈયાર થતી રણનીતિ

નવી દિલ્હી, તા. 2પ: ભારતે ચીનના બજારમાં પોતાની કૃષિ પેદાશોની પહોંચ વધારવા અને દવાઓની નિકાસને વધારવાની રણનીતિ તૈયાર કરી છે. સાથે જ અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોર જોતાં ચીનમાંથી પોતાનું ઉત્પાદન બેઈઝ હઠાવવાને ઈચ્છુક વિદેશી કંપનીઓને આકર્ષવાની સંગીન રણનીતિ ય તૈયાર કરી છે. વિભાગે તૈયાર કરેલા રણનીતિક દસ્તાવેજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુને સોંપાયા છે, જેનો ઉદ્દેશ ચીન સાથેની વ્યાપાર ઘટને ઓછી કરવી, ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ અને ફાર્માસ્યુટિકલની આયાતનો વિકલ્પ ખોળવાને ક્ષેત્રવાર રણનીતિ તૈયાર કરવાનો છે. ચીન સાથે ભારતની વ્યાપાર ઘટ '18ના વર્ષમાં 63.04 અબજ ડોલરના વિક્રમી આંકે પહોંચી છે.
સપ્ટેમ્બર '17માં ખાતાનો કાર્યભાર સંભાળવા સાથે સુરેશ પ્રભુએ, ચીન સાથેની વ્યાપાર ઘટ ઓછી કરવાની રણનીતિ તૈયાર કરવાનો દિશા-નિર્દેશ આપવાનું જાતે કરવું શરૂ કર્યું હતું. આ રણનીતિનો ઉદ્દેશ ચીનમાં નિકાસ વધારવા અને સ્થાનિક ઉત્પાદનનાં માધ્યમથી આયાત ઓછી કરવાનો છે.  ટેલીકોમ ઉદ્યોગના વિચારોનો હવાલો આપી દૂરસંચાર વિભાગ જણાવે છે કે ચીન ભારતીય કંપનીઓ સાથે અનેક રીતના ભેદભાવ કરે છે અને તેની વિરુદ્ધ પ્રતિબંધ મૂકે છે. ઉદ્યોગે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને કેમેરા મોડયુલનું સ્થાનિક ઉત્પાદન તથા ક્ષેત્ર માટે એક રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફન્ડ તૈયાર કરવા સૂચન કર્યું છે. ઓટો કમ્પોનન્ટ્સ માટે દસ્તાવેજમાં જણાવાયું છે કે યુરોપી સંઘ અને અમેરિકી ગુણવત્તાને ટક્કર આપવા સ્ટાન્ડર્ડ અને કોમન ટેસ્ટિંગ એકમોની સ્થાપના થવાથી સ્થાનીય ઉત્પાદનને મજબૂતી મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer