મમતાની રાજીનામાની અૉફર પક્ષે નકારી

તૃણમૂલ સુપ્રીમોનો ભાજપ સામે ધ્રુવીકરણનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 25 : પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની બેઠકો ઘટવા સાથે ભાજપની બેઠકોમાં નોંધપાત્ર વધારા પછી મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે રાજીનામું આપવાની દરખાસ્ત કરી હતી. જોકે, એ સ્વીકારી નહોતી.
મુખ્યપ્રધાન પદ છોડવાની ઓફરની સાથો સાથ મમતાએ ચૂંટણીપંચ, કેન્દ્રીય દળ, ભાજપ તેમજ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસની આંતરિક બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં બેનરજીએ  ભાજપ પર બંગાળમાં મતદારોના ધ્રુવીકરણનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં, પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્યમંત્રીએ  એવો   આરોપ પણ મૂક્યો હતો કે, કેન્દ્રીય દળે મારા વિરુદ્ધ કામ કરતાં કટોકટી જેવી સ્થિતિ પેદા કરી હતી.
હિન્દુ-મુસ્લિમના નામે મતોના ભાગલા કરાયા. અમે ફરિયાદ તો કરી, પરંતુ ચૂંટણીપંચે કોઇ પગલાં ન લીધાં, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની સંખ્યા 2014માં 34ના સ્થાને આ વખતે ઘટીને 22 થઇ ગઇ છે. ભાજપે  18 બેઠક પર જીત મેળવી છે. જ્યાં તૃણમૂલ જીતી તે બેઠકો પર પણ બીજાં સ્થાને ભાજપ જઇ રહ્યો છે. બંગાળમાં કેસરિયા પક્ષનો  જનાધાર અચાનક વધી જતાં તૃણમૂલ પક્ષ સ્તબ્ધ બની ગયો છે. સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે, તૃણમૂલના ટોચના નેતાઓમાં દીર્ઘદૃષ્ટિના અભાવ અને અહંકારભર્યા વલણ, પક્ષના નબળા પડેલાં પ્રદર્શનના કારણે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer