મહારાષ્ટ્રમાં હારની જવાબદારી અશોક ચવ્હાણે સ્વીકારી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : લોકસભાની ચૂંટણીમાં પરાજય એ માત્ર પક્ષપ્રમુખ રાહુલ ગાંધીનો એકલાનો નથી. મહારાષ્ટ્રમાં પરાભવની જવાબદારી મારી છે એમ કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું છે.
અશોક ચવ્હાણે પત્રકારોને જણાવ્યું હતું કે ચૂંટણી સમયે પક્ષમાં કોઈ વાદવિવાદ નહોતા. બધા નિર્ણય અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં લેવામાં આવ્યા હતા. તેથી પરાભવની જવાબદારી ફક્ત રાહુલ ગાંધીની નહોતી. મહારાષ્ટ્રમાં ખરાબ દેખાવની જવાબદારી હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પરાભવ માટે વંચિત બહુજન આઘાડી કારણભૂત નીવડી હતી. તેણે જાણે ભાજપની `બી' ટીમ હોય એ રીતે કાર્ય કર્યું હતું. આમ છતાં વિધાનસભાની આગામી ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણીનાં પરિણામ જેવું હશે એવું માનવાનું કારણ નથી. આમ છતાં અનેક જિલ્લામાં વિચારપૂર્વક રાજકીય નિર્ણય લેવાનો સમય આવ્યો છે. તેના માટે અનેક નેતાઓ ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે. તે નેતાઓ વિરુદ્ધનો અહેવાલ મોવડીઓને મોકલવામાં આવ્યો છે. આગામી સમયમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે તે વિશે બેઠક યોજવામાં આવશે.
નારાયણ રાણે કૉંગ્રેસમાં પાછા ફરશે એવા પ્રશ્નના ઉત્તરમાં અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે મેં તેમની સાથે વાત કરી નથી તેથી મને તે વિશે કોઈ માહિતી નથી.
ચવ્હાણે વધુમાં જણાવ્યું હતું કે હું અને મારા સાથીઓ મહારાષ્ટ્રમાં નબળા દેખાવ માટે રાજીનામું આપવા તૈયાર છીએ. જેઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે તેઓ અંગે અહેવાલ મગાવવામાં આવ્યો છે. દોષિતો વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer