આજે ચૂંટણીનો અંતિમ તબક્કો છેલ્લી 59 બેઠક પર મતદાન

આજે ચૂંટણીનો અંતિમ તબક્કો છેલ્લી 59 બેઠક પર મતદાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 918 ઉમેદવારનું ભાવિ સીલ થશે

નવી દિલ્હી, તા. 18 : લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આવતીકાલે 59 બેઠક પર મતદાન યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 918 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. દેશની નજર વારાણસી બેઠક પર વિશેષ રહેશે.
અંતિમ તબક્કામાં પંજાબ અને ઉત્તરપ્રદેશમાં 13-13 બેઠક પર મતદાન થશે, પશ્ચિમ બંગાળમાં 9, બિહાર અને મધ્યપ્રદેશમાં આઠ-આઠ, હિમાચલ પ્રદેશમાં ચાર, ઝારખંડમાં ત્રણ અને ચંડીગઢની એક બેઠક પર મતદાન યોજાશે. 10.01 કરોડથી વધુ મતદારો 918 ઉમેદવારનું ભાવિ ઘડશે. ચૂંટણી પંચે આયોજન સુપેરે પાર પડે એ માટે 1.12 લાખ મતદાન મથકો ઊભા કર્યા છે.
મતદાનના અંતિમ તબક્કા બાદ એક્ઝિટ પોલના તારણો પણ આવતીકાલે જારી કરવામાં આવશે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત બનાવવા માટે તમામ પગલાં લેવામાં આવી ચૂક્યા છે.
જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો સાતમા તબક્કાની ચૂંટણીમાં 163 ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. જ્યારે 69 ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. 372 ઉમેદવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના પણ છે. જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા 315 નોંધાઈ છે.
આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર બિહારના પાટલીપુત્રના રમેશ કુમાર શર્માની સંપત્તિ 1107 કરોડ નોંધાઈ છે. બિહારના પાટલીપુત્ર બેઠક પરથી રમેશ કુમાર શર્માની સંપત્તિ સૌથી વધારે છે.
ચૂંટણી પંચે લોકસભાની કુલ 542 સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં 11મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં 18મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 23મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને 29મી એપ્રિલના દિવસે ચોથા તબક્કામાં મતદાન થયું હતું. છઠ્ઠી મેના દિવસે પાંચમાં તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે છઠ્ઠા તબક્કામાં 12મીના દિવસે મતદાન થયું હતું. હવે આવતીકાલે 19મી મેના દિવસે સાતમા તબક્કામાં મતદાન થશે.
આ મહારથીઓ મેદાનમાં : નરેન્દ્ર મોદી (વડાપ્રધાન, વારાણસી), સુખબીરસિંહ બાદલ (અકાળી નેતા, ફિરોજપુર), હરસિમરત કૌર (અકાળી નેતા, ભટિન્ડા), પ્રણીત કૌર (કોંગ્રેસ, પટિયાલા), અનુરાગ ઠાકુર 
(ભાજપ, હમીરપુર), શિબુ સૌરેન (પૂર્વ મુખ્યપ્રધાન, ડુમકા), પી.કે. બંસલ (કોંગ્રેસ, ચંદીગઢ), કિરણ ખેર (ભાજપ, ચંડીગઢ), સન્ની દેઓલ (ભાજપ, ગુરદાસપુર), રવિ કિશન (ભાજપ, ગોરખપુર), મહેન્દ્રનાથ પાંડે (ભાજપ, ચંદોલી),રવિશંકર પ્રસાદ (ભાજપ, પટણાસાહેબ), શત્રુઘ્નસિંહા (કોંગ્રેસ, પટણા સાહેબ), અનુપ્રિયા પટેલ (અપના દળ, મિરઝાપુર).

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer