કપોળ બૅન્કના નવનિર્માણ માટે સજ્જ છે પ્રોગ્રેસિવ ફોરમ

કપોળ બૅન્કના નવનિર્માણ માટે સજ્જ છે પ્રોગ્રેસિવ ફોરમ
ડિરેક્ટરોની ચૂંટણી લડવા માટે શૅરહોલ્ડર, શુભચિંતકો અને ખાતેદારોના સહકારની અપેક્ષા, ઇલેક્શન ન થાય તેવી અપીલ

રચના જોષી તરફથી
મુંબઈ, તા. 18 : વટ, વચન, વ્યવહાર અને વેપારમાં માનતી કપોળ બૅન્ક 2014થી નિક્રિય બની છે, પરંતુ આ બૅન્કને ફરી સક્રિય કરવા માટે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના એડમિનિસ્ટ્રેશન અને નિયંત્રણ હેઠળ આવનારા જૂન મહિનામાં બૅન્કના નવા બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણી માટે `પ્રોગ્રેસિવ ફોરમ'ની રચના કરવામાં આવી છે. કપોળ બૅન્કના નવનિર્માણ માટે પ્રોગ્રેસિવ ફોરમ ચૂંટાઈ આવે તે ખૂબ જરૂરી છે અને તેના માટે ખાતાધારકો, શૅરહોલ્ડર અને શુભચિંતકોના સહકારની અપેક્ષા અને ઇલેક્શન ન થાય તેવી આશા છે.
કપોળ સમાજની  કરોડરજ્જુ કહેવાતી કપોળ બૅન્કની શરૂઆત 1939માં થઈ હતી. 2014થી નિક્રિય થયેલી આ બૅન્કને ફરી કપોળ સમાજનું ગૌરવ બનાવવાનો સમય આવ્યો છે. અત્યારે બૅન્કનું સંચાલન આરબીઆઈ કરી રહી છે. જૂન મહિનામાં નવા બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોઈ અન્ય વ્યક્તિ ચૂંટાઈ ન આવે અને યોગ્ય વ્યક્તિ જ ચૂંટાઈ આવે તેની બૅન્કને બહુ જરૂર છે, કારણ કે આ ચૂંટણી એ બૅન્કનું નવનિર્માણ છે. બૅન્કના યોગ્ય નિવનિર્માણ માટે કપોળ સમાજના અગ્રણીઓએ મળીને નીલકમલ ઇન્ડસ્ટ્રીઝના શરદભાઈ પારેખના નેતૃત્વ હેઠળ `પ્રોગ્રેસિવ ફોરમ'ની રચના કરી છે.
પ્રોગ્રેસિવ ફોરમનો હેતુ કપોળ બૅન્કને ફરી ધમધમતી કરવાનો છે. ઇલેક્શન થાય તો બૅન્કને અંદાજે 60થી 65 લાખનો ખર્ચ થાય અને બીજું અત્યારે આર્થિક સંકટમાં હોવાથી તે પરવડી શકે એમ નથી એટલે સમાજના અગ્રણીઓએ ચૂંટેલી પ્રોગ્રેસિવ ફોરમને ચૂંટવામાં આવે તો બૅન્કનો ખર્ચ પણ બચશે અને ભવિષ્ય પણ ઊજળું થશે, તેમ `ફામ'ના પ્રેસિડન્ટ વિનેશ મહેતાએ કહ્યું હતું.
કપોળ બૅન્કનું નવનિર્માણ કરવા પ્રોગ્રેસિવ ફોરમમાં શરદભાઈના નેતૃત્વમાં નીલયોગ કન્સ્ટ્રક્શનના ડિરેક્ટર યોગેશભાઈ મહેતા,  રોનક ગ્રુપના કીર્તિભાઈ શાહ, અભિયાન ગ્રુપ અૉફ કંપનીના ચૅરમૅન અવિનાશભાઈ પારેખ, નાથદ્વારા ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી પરેશભાઈ પારેખ, અલકિટી સિક્યોરિટીના હિમાંશુભાઈ મહેતા, કેતન ફોઇલ્સના અતુલભાઈ પારેખ, એસઆરકે ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર કીર્તિભાઈ મહેતા, કપોળ કેસીબીએલના ધવલ મહેતા, કેમિકલના વેપારી યતિનભાઈ મહેતા, આર્યન અને સ્ટીલના ટ્રેડર વસંતભાઈ સંઘવી, લૉજિસ્ટિક હેડ વિજયભાઈ ગાંધી, દોશી ઍન્ડ સંઘવી બીલ્ડરના પાર્ટનર મીનાબહેન કાકણિયા અને મીનાબહેન ભુતાનો સમાવેશ છે.
કપોળ બૅન્કને ફરી ઊભી કરવા કેવા પગલાં લેવાશે એ વિષે શરદભાઈ પારેખે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કપોળ સમાજ છતી શક્તિએ સમાપ્ત ન થાય એ માટે સમાજની એકતાની જરૂર છે અને આ એકતા ઇલેક્શન સમયે દેખાડવાની જરૂર છે. બૅન્કને ફરી ધમધમતી કરવા બૅન્ક અૉફ બરોડાના ચૅરમૅન એમ.ડી. માલ્યા સાથે મળીને વાતચીતો કરવામાં આવી હતી. તે મુજબ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. આ યોજનાઓ સફળ કરવા અને કપોળ બૅન્કને જીવંત કરવા બૅન્કના ડિપૉઝિટરો, ખાતેદારો, શૅરધારકો અને શુભચિંતકોના સહકારની જરૂર છે. ખાતેદારોની મૂડીને કેપિટલમાં ફેરવવી, રકમની રિકવરી કરવી, ખર્ચ ઓછો કરવા જેવી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે.
ડિપૉઝિટરો, ખાતેદારો અને શૅરધારકોના ત્રિવેણી સંગમને લીધે બોર્ડ અૉફ ડિરેકટર્સની ચૂંટણીનું ઇલેક્શન થાય અને પ્રોગ્રેસિવ ફોરમ ચૂંટાઈ આવે તો કપોળ બૅન્કની પ્રોગ્રેસ ફરી થાય તેવી અપેક્ષા કપોળ સમાજના અગ્રણીઓને છે. આ માટે શનિવારે સાંજે વિલે પાર્લા પશ્ચિમના બજાજ રોડ પર વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવેલી બેઠકમાં અનેક લોકોએ પોતાનો સાથ-સહકાર દર્શાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer