વડોદરાના કિશોરે તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું

વડોદરાના કિશોરે તળાવોનો કચરો સાફ કરતું વર્કિંગ મોડેલ બનાવ્યું
અમારા પતિનિધિ તરફથી 
વડોદરા,તા,18,પાણીનેં સ્ત્રોતમાં વધતા સોલિડ વેસ્ટનું પ્રમાણ ઘટાડવા વડોદરાના 13 વર્ષનાં વરૂણ સાઈકિયાએ બેટરી-રિમોટ સંચાલિત આર્યન બ્લેડવાળું વર્કિંગ મોડેલ બનાવ્યું છે. જેને જી.ટી.યુ ઇનોવેશન કાઉન્સિલ તરફથી 1.86 લાખની ગ્રાન્ટ અપાઇ છે. આ મશીનમાં અલ્ટ્રાસોનિક સેન્સર, ઇમેજ સેન્સર, જી.પી.એસ સેન્સર તેમજ ફિશ આઈ લેન્સ કેમેરા છે. જેનાથી આ મશીન તળાવમાંનો કચરો સાફ કરે છે. વરૂણની માતા રૂચિરા સાઈકિયાએ જણાવ્યું હતું કે, મોડેલથી અમદાવાદનું વિરમગામ તળાવ સાફ થશે. વડોદરાના મ્યુનિ. કમિશનરે પણ બાળકને આ મોડેલ બનાવવા માટે જોઈતી મદદની તૈયારી બતાવી છે. 
ગુજરાત ટેક્નૉલૉજીકલ યુનિવર્સિટી દ્વારા 2011માં જી.ટી.યુ. ઇનોવેશન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવા માગતા લોકોને પ્રોત્સાહિત કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. અને જરૂર પડે તો તેમને ભંડોળ પણ આપવામાં આવે છે. આ વિશે વાત કરતા ગુજરાત ટેક્નૉલૉજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું કાર્ય ઘરમાંથી જ થવું જોઈએ. જે બાળક કંઈક અલગ કરવા માગે છે તો તેની માટે સરકાર હવે મદદ કરવા માટે આગળ આવી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પૉલિસી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોટોટાઇપ બનાવવા માટે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે સરકાર દ્વારા જ પેટન્ટ રજિસ્ટર કરાવવા માટે 25 હજાર રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓ, વાલીઓમાં હજુ પણ સ્ટાર્ટઅપને લઇને નિરસતા જોવામાં આવી રહી છે. 
ગુજરાત ટેક્નૉલૉજીકલ યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરનાર વાલીઓને 14 ફેબ્રુઆરી એટલે ઇનોવેશન સંકુલ દિવસે પ્રેરણા સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવે છે. જેથી વાલીઓને તેમનું બાળક સારું કામ કરે છે તે વાતની જાણ થાય અને તેને આગળ વધવા માટે વધુ પ્રોત્સાહિત કરે. જેને કારણે નવા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ ઇનોવેશન કરવામા માટે પ્રોત્સાહિત થાય અને ભારતમાં ઇનોવેશનની સંખ્યા વધે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer