મેટ્રો-4 પ્રોજક્ટ અંડરગ્રાઉન્ડ નહીં

મેટ્રો-4 પ્રોજક્ટ અંડરગ્રાઉન્ડ નહીં
એલિવેટેડ જ રહેશે : એમએમઆરડીએ
 
ખર્ચ ત્રણ ગણો વધવાથી એ વ્યવહારુ નથી એવું કારણ

મુંબઈ, તા. 18 : મેટ્રો-4 પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ કરવો મોંઘો પડશે. હાલ મુંબઈમાં શરૂ 12 મેટ્રો રૂટનો ખર્ચ ધ્યાનમાં લેતા આ એક જ રૂટ માટે ત્રણ ગણો ખર્ચ કરવો પરવડશે નહીં, એમ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટીએ (એમએમઆરડીએ) સ્પષ્ટ કર્યું છે.
મેટ્રો-4 પ્રોજેક્ટના બે માર્ગ એલિવેટેડ હશે અને સુમારે ચાર હજાર વૃક્ષો કાપવા પડશે. આ પ્રોજેક્ટ માટે મોટા પ્રમાણમાં જમીન સંપાદિત કરવી પડશે. આથી હાલના સ્વરૂપમાં આ પ્રોજેક્ટનો થાણેના નાગરિકોએ વિરોધ કર્યો છે. મેટ્રો-4 ભૂગર્ભ કરવાથી વૃક્ષ કાપવા નહીં પડે અને જમીન પણ ઓછા પ્રમાણમાં સંપાદિત કરવી પડશે. એવી ભૂમિકા બાંધવામાં આવી હતી, પરંતુ ત્રણગણા ખર્ચનું કારણ આપીને એમએમઆરડીએ આ પ્રોજેક્ટ અન્ડરગ્રાઉન્ડ કરવાનો ઇનકાર કર્યો હતો.
થાણેના ઘોડબંદર રોડની બન્ને બાજુ મોટા પ્રમાણમાં શહેરીકરણ થઈ રહ્યું છે. પરિણામે બસ, રિક્ષા, ટૅક્સી અને અન્ય વાહનો તેમ જ વ્યાપારી વાહનોને કારણે ભારે ટ્રાફિક જામ થાય છે એના ઉકેલરૂપે મેટ્રો-4 પ્રોજેક્ટ બનાવાયો છે. જે વડાલા-ઘાટકોપર-મુલુંડ-થાણે-કસાર વડાવલી સુધી વિસ્તરશે.
મેટ્રો-4 અન્ડરગ્રાઉન્ડ કરતાં 15 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વધીને 45 હજાર કરોડ રૂપિયા થશે એવી ભૂમિકા લઇને આ માર્ગ એલિવેટેડ જ રહેશે એવું એમએમઆરડીએ જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer