આગામી વર્ષે પણ ખાંડનું ઉત્પાદન ઘટશે યુએસડીએ

આગામી વર્ષે પણ ખાંડનું ઉત્પાદન ઘટશે યુએસડીએ
નવી દિલ્હી, તા. 18 : દેશમાં ખાંડનું ઉત્પાદન અૉક્ટોબરમાં શરૂ થતાં માર્કેટિંગ વર્ષ 2019-20માં સતત બીજા વર્ષે 8.4 ટકા ઘટીને 3.03 કરોડ ટન થવાનું અનુમાન છે. ચાલુ માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન પાછલા વર્ષના 3.43 કરોડ ટનથી ઘટીને 3.3 કરોડ ટન થવાની ધારણા છે.
યુએસ ડિપાર્ટમેન્ટ અૉફ એગ્રિકલ્ચર (યુએસડીએ)ના જણાવ્યા મુજબ આગામી માર્કેટિંગ વર્ષના 3.03 કરોડ ટનના ઉત્પાદન અંદાજમાં છ લાખ ટન ખાંડસરી હશે. પૂરા થઈ રહેલા વર્ષમાં ખાંડના સરેરાશ રિકવરી રેટમાં ચોખ્ખો ઘટાડો થવાથી સીધી પિલાણ માટે જતી શેરડીની ઉપલબ્ધિ ઘટતાં ખાંડનું ઉત્પાદન ઘટશે.
છેલ્લાં ચાર વર્ષમાં ત્રીજીવાર આ ટ્રેન્ડ જોવા મળ્યો હોવા છતાં ઉત્તર પ્રદેશ ખાંડનું સૌથી મોટું ઉત્પાદક છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘટતા જતા ઉત્પાદનને તે સરભર કરે છે.
શેરડીનું એકંદર વાવેતર 47 લાખ હેક્ટર્સથી આઠ ટકા ઘટીને 35.5 લાખ હેક્ટર્સ થયું છે. બજારની સ્થિતિ સામાન્ય રહેશે તેવા અનુમાન સાથે યુએડીએ ભારત 35 લાખ ટન ખાંડની નિકાસ કરી શકશે તેમ અંદાજે છે, પરંતુ સાધારણ વધારાને સરભર કર્યા પછી ખાંડનો વપરાશ 2.85 કરોડ ટન થશે. તે પછી પણ 1.7 કરોડ ટન માલપુરાંત રહેશે, જે સાત મહિનાનો વપરાશ છે.
કુલ નિકાસમાં એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ (એએએસ) 10 લાખ ટન ખાંડની પુન: નિકાસ પણ સામેલ છે અને બાકીના 25 લાખ ટન કોમર્શિયલ વેચાણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer