શ્રી સત્ય સાંઈબાબાના ગાઢ સાથી ઇન્દુલાલભાઈ શાહનું નિધન

શ્રી સત્ય સાંઈબાબાના ગાઢ સાથી ઇન્દુલાલભાઈ શાહનું નિધન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સ્વાતંત્ર્ય સેનાની અને શ્રી સત્ય સાંઈ મિશનના પાયાના પથ્થર ઇન્દુલાલભાઈ શાહનું આજે 99 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું.
1920માં જન્મેલા ઇન્દુભાઈ 1965માં આકસ્મિક રીતે બેંગલોરમાં શ્રી સત્ય સાંઈને મળ્યા હતા અને એ બાદ તેઓ શ્રી સત્ય સાંઈ મિશનના પ્રથમ અૉલ ઇન્ડિયા પ્રમુખ બન્યા હતા. પછી શ્રી સત્ય સાંઈ અૉર્ગેનાઇઝેશન્સના આંતરરાષ્ટ્રીય સલાહકાર બન્યા હતા. ઇન્દુભાઈ અને તેમનાં પત્ની શ્રીમતી સરલાબહેન સત્ય સાંઈ સંસ્થાના અવિભાજ્ય અંગ બની ગયાં હતાં.
ઇન્દુભાઈ છેક 1942થી સીએ હતા. તેઓ `ભારત છોડો' અને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય રીતે જોડાયેલા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીના ચુસ્ત અનુયાયી હતા. 1951થી 1960 સુધી તેઓ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના મંત્રી પદે પણ રહ્યા હતા. 1954થી એક દાયકા માટે ખાદી ચળવળ સાથે સંકળાયેલા રહ્યા હતા તેમ જ ખાદી અને ગ્રામોદ્યોગ પંચના ચૅરમૅન પણ બન્યા હતા.
ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે તેમણે કરેલાં કાર્યોને એ વખતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને બિરદાવ્યા હતા અને તેમને સુવર્ણચંદ્રક અને શિલ્ડથી નવાજ્યા હતા.
વર્ષ 1967માં શ્રી સત્ય સાંઈ બાબા ઇન્દુલાલભાઈના મુંબઈ ખાતેના નિવાસસ્થાને રોકાયા હતા અને સાંઈ અૉર્ગેનાઇઝેશનના ધર્મક્ષેત્ર આશ્રમની જગ્યા નક્કી કરવામાં આવી હતી અને ધર્મક્ષેત્ર તૈયાર થઈ ગયા બાદ 1968માં ત્યાં પ્રથમ વિશ્વ પરિષદ યોજાઈ હતી.
ઇન્દુભાઈએ શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ, પ્રશાંત નિલયામ, શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટી વગેરે સ્થાપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
તેમણે સત્ય સાંઈબાબા વિશે અનેક પુસ્તકો લખ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer