લોકસભા ચૂંટણીનું પહેલું પરિણામ 23મીએ રાતના દસ વાગ્યે આવશે !

ઇવીએમમાં પડેલા વોટની વીવીપીએટી સ્લિપ સાથે ગણતરીના કારણે

નવી દિલ્હી, તા. 18 : લોકસભાની ચૂંટણીનું પરિણામ 23મી મેના ગુરુવારે જાહેર થવાનું નિશ્ચિત છે, પણ પહેલું પરિણામ કેટલા વાગે જાહેર થશે તે નિશ્ચિત કહી શકાય નહીં.
ચૂંટણી પંચના ટોચના અધિકારીઓની ધારણા પ્રમાણે પહેલું પરિણામ ગુરુવારની રાતે દસ વાગ્યા આસપાસ આવે તેવી શક્યતા છે અને લોકસભાની 543 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થતાં સુધીમાં શુક્રવારની વહેલી સવાર પણ થવાની શક્યતા છે. પંચ દ્વારા કુલ પરિણામોની સત્તાવાર જાહેરાત શુક્રવાર, 24મી મેએ જ થાય તે શક્ય છે.
આ વિલંબ થવાનું કારણ પ્રત્યેક વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપીએટી)ની ગણતરીનું છે. ઈવીએમમાં પડેલા મતની સાથે વીવીપેટની સાથે સરખાવવાનું કામ જટિલ છે. ઈવીએમમાં પડેલા તમામ મતની ગણતરી થઈ જાય તે પછી તેની વીવીપેટની સાથે સરખામણીનું કામ શરૂ થશે.
સુપ્રીમ કોર્ટે પ્રત્યેક વિધાનસભા મતદાર વિસ્તારમાંથી પાંચ બૂથમાં પડેલા મતનું ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપની સાથે સરખાવવાનો આદેશ આપ્યો છે. આ કામમાં ચાર કલાક લાગે તેવી સંભાવના છે. રાતે દસ વાગે પહેલું પરિણામ સત્તાવાર જાહેર થાય તે પછી એક પછી એક બેઠકોનાં પરિણામ જાહેર થવા લાગશે.
ઇવીએમમાં પડેલા મતની વીવીપેટની સ્લીપ સાથે સરખાવવામાં આવે તે આ ચૂંટણીમાં પહેલી વાર બની રહ્યું છે. આગલી 2014ની ચૂંટણીમાં આઠ બેઠક ઉપર વીવીપેટનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થયો પણ તેની સ્લીપની ઈવીએમમાં પડેલા મતની સાથે સરખામણી કરવામાં આવી નહોતી.
ઇવીએમમાં પડેલા મતની વીવીપેટ સ્લિપની સરખામણીનું કામ રિટર્નિંગ અૉફિસરની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે. વીવીપેટની ગણતરી માટે બૅન્કના કેશિયરને હોય તેવી કેબિન દરેક મતદાન બૂથમાં બનાવવામાં આવી રહી છે અને કેબિનમાં કોઈ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.
ચૂંટણી અધિકારીઓએ 13 લાખ જેટલા પોસ્ટલ બેલેટની પણ ગણતરી એ દિવસે કરવાની રહેશે. સંરક્ષણ દળના અને અન્ય સરકારી કર્મચારીઓએ ઇન્ટરનેટ મારફતે તેમના જે મત મોકલી આપ્યા તેને તે દિવસે ડાઉનલોડ કરીને ગણતરી કરવામાં આવશે. પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તામિલનાડુ જેવાં રાજ્યોમાંથી પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હશે તેવું અનુમાન છે.
દરેક રાજ્યોમાં મતગણતરીનું પ્રાયોગિક ધોરણે કામ મંગળવાર 21મીએ શરૂ થશે. એ દિવસે રિટર્નિંગ અૉફિસરો, ઇન્ફર્મેશન અૉફિસરો વગેરે સિસ્ટમની ચકાસણી કરશે. મતગણતરીનાં પરિણામોની આધારભૂત માહિતી એક જ સ્રોત તરફથી જાણવા મળે તે માટે પંચે એમ વ્યવસ્થા કરી છે કે ચૂંટણીના પ્રત્યેક રાઉન્ડના જે આંકડા આવે તેને સુવિધા એપ્લિકેશનમાં ભરતાં જવાં અને ત્યાર બાદ મતગણતરીના સ્થળેથી પ્રત્યેક રાઉન્ડનાં પરિણામોની જાહેરાત કરવી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer