કિચન ગાર્ડન બનાવવા પ્રત્યેક શાળાને રૂા. 5000 અપાશે

કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

નવી દિલ્હી, તા. 18 : માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શાળાઓમાં ન્યુટ્રિશન ગાર્ડન્સ સ્થાપવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. મધ્યાહ્ન ભોજન યોજનામાં નવતર પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ફ્લેક્સી ફંડ હેઠળ દર વર્ષે પ્રત્યેક શાળાને કિચન ગાર્ડન સ્થાપવા રૂા. 5000 અપાશે. 
કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા સંયુક્તપણે અપાનારાં આ ભંડોળનો ઉપયોગ શાળાઓ બીજ અને સાધનો ખરીદવા કરી શકશે. 
એક અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતાં જણાવ્યું કે કિચન ગાર્ડનનું મુખ્ય ધ્યાન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ શાકભાજી ઉપર રહેશે. જે શાળાઓને જગ્યાની મર્યાદા હોય, તે શાળાઓ કુંડાંમાં દૂધી, વટાણા જેવાં વેલા ઉગાડી શકે છે. છોડ નાનાં કન્ટેઇનર્સ, ડબ્બા અને ફેંકી દેવાયેલાં માટીનાં કુંડાંમાં પણ ઉગાડી શકાય છે. કિચન ગાર્ડન બનાવવા તેમ જ ગાર્ડનના જતન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ના નિષ્ણાતો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. 
વિદ્યાર્થીઓને ખેતીની ટેકનિકોની જાણકારી મળી રહે તે માટે તેમને શાળામાં દર અઠવાડિયે એક કલાક ગાર્ડનનો સમય અને એક કલાક ગાર્ડન વિશે પાઠ શીખવવામાં આવશે.
ગુજરાત, આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં શાળાઓમાં કિચન ગાર્ડન સ્થાપવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં 2,694 શાળાઓને આ માટે પ્રોત્સાહન મળ્યું છે. આ રાજ્યોમાં સરકારી શાળાઓ પોતાનાં પરિસરમાં જ કિચન ગાર્ડન ધરાવે છે, પરંતુ અત્યાર સુધી કિચન ગાર્ડન કેવી રીતે સ્થાપવું તે માટેની કોઈ વ્યવસ્થિત માર્ગદર્શિકા ન હતી.
છેલ્લા આંકડા મુજબ મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 2017-18 દરમિયાન 9.46 કરોડ બાળકોને આવરી લેવાયાં છે. આ યોજનામાં રસોઈયા - કમ - મદદનીશની સંખ્યા 25.06 લાખ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer