અમદાવાદમાં આંધી ફૂંકાતાં અંધારપટ

બનાસકાંઠા-અમરેલીનાં ગામોમાં ધોધમાર વરસાદ 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.18: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં અમરેલીનાં ગામોમાં ધોધમાર વરસાદ બાદ અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું હતું. અમદાવાદમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને સાથે થોડો વરસાદ પણ વરસ્યો હતો. 
અમદાવાદમાં બપોર બાદ મોસમે મિજાજ બદલ્યો હતો. શહેરમાં ધૂળના વાવાઝોડાથી અંદારપટ છવાયો હતો તો સેટેલાઇટ, બોપલ, ઘુમા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને તાપમાનમાં ઘટાડો થયો હતો. 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ધાનેરા, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ગઇકાલે શુક્રવારે આવેલા વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના હિંમતનગરના જોરાપુરમાં સાત જેટલા મકાનોમાં પારાવાર નુકસાન થયું હતું અને અનેક પશુઓ ઘાયલ થયા હતા અને અનેક મકાનોના છાપરા પણ ઊડયા હતા. 
બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. જાફરાબાદના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. જાફરાબાદના અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડયો હતો. સતત બીજા દિવસે અમરેલીના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ પડતા કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ગઢડા, મોડાસા, અરવલ્લી, હિંમતનગર, સાવરકુંડલા, રાજુલા, અમરેલી, ભાવનગર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા અને પાકને મોટું નુકસાન પણ થયુ ંહતું. ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer