રોકાણકારો સાથે 7 કરોડની છેતરપિંડી કરવા

બદલ કંપનીના ત્રણ ડિરેક્ટરો સામે કેસ

મુંબઈ, તા. 18 : રોકાણકારો સાથે 7 કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે એક ખાનગી કંપનીના ત્રણ ડાયરેક્ટરો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધ્યો છે.
શહેરની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) હેઠળ કામ કરતા મહારાષ્ટ્ર પ્રોટેક્શન અૉફ ઇન્ટરેસ્ટ અૉફ ડિપૉઝિટર્સ (એમપીઆઈડી)ના એકમે આ કેસ નોંધ્યો છે.
ચંદ્રકાંત કવાડે (56) નામના ઘાટકોપરના રહેવાસીએ વેલ્થઓર મૅનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટડના ત્રણ ડાયરેક્ટરો વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં આ ડાયરેક્ટરોનાં નામ પ્રમોદ ચીંચોલકર, કુરિયન જોનસન અને વિકાસ મહામુનિ દર્શાવાયાં છે.
આ કેસ પંતનગર પોલીસ સ્ટેશનમાંથી ઈઓડબ્લ્યુમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કેસ પેપરમાં જણાવ્યા પ્રમાણે 417 રોકાણકારો સાથે 7 કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી છે. આ કંપનીએ એવો દાવો કર્યો હતો કે તેણે આ રકમ અનેક કંપનીઓમાં રોકી હતી. રોકાણકારોને 36 મહિના માટે રોકાણ કરવા જણાવાયું હતું અને તેમને 15 ટકા વાર્ષિક વ્યાજ આપવાનું વચન અપાયું હતું. આમ છતાં કંપનીએ વ્યાજ આપવાનું બંધ કર્યું હતું અને મોટા ભાગના રોકાણકારોને  તો તેમની મુદલની રકમ પણ પાછી મળી નથી. આ કેસની તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુનીલ પવાર કરી રહ્યા છે.
અન્ય એક કેસમાં ઈઓડબ્લ્યુએ સખારામ હાકે ઉર્ફે યશ (37) નામના એન્જિનિયરિંગ ડ્રોપઆઉટની આવી જ એક પોન્ઝી સ્કીમ દ્વારા છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે.
યશ અને વિજય આહિરે (41) નામના શખસે મળીને ડિપૉઝિટ પર ઊંચું વ્યાજ આપવાનું વચન આપીને કેટલાક રોકાણકારોને છેતર્યા હોવાનું કહેવાય છે.
વરલીનાં એક ગૃહિણીએ નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસે પહેલાં આહિરે અને પછી યશની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ કેલકર કરી રહ્યા છે.
આ જોડીએ 10 ટકા વ્યાજનું વચન આપીને 32 જણને છેતર્યા હોવાનું મનાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer