આ મહિને મહારાષ્ટ્રની કૃષિ નિકાસ નીતિ ઘડાશે

મુંબઈ, તા. 18 : દેશમાં કૃષિ નિકાસ ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતું મહારાષ્ટ્ર પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા તત્પર છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે કૃષિ નિકાસ નીતિ જાહેર કર્યા બાદ હવે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ પોતાની કૃષિ નિકાસ નીતિ ઘડશે. આ માટે રાજ્ય સરકારે કૃષિ કમિશ્નર સુહાસ દિવાસેના અધ્યક્ષસ્થાને 11 સભ્યોની પેનલ રચી છે. આ પેનલ 31મી મે સુધીમાં નીતિ ઘડીને સરકારને સોંપશે.
કેન્દ્ર સરકારની નીતિને આધારે જ રાજ્યની કૃષિ નીતિ ઘડવામાં આવશે, જેનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં કૃષિ નિકાસ હાલના 30 અબજ ડોલરથી વધારીને 60 અબજ ડોલર કરવાનો તેમજ તે પછીનાં વર્ષોમાં સ્થિર વેપાર નીતિ દ્વારા વધારીને 100 અબજ ડોલર કરવાનો રહેશે.
રાજ્યમાંથી મુખ્યત્વે દ્રાક્ષ, કેરી, દાડમ અને કેળાંની નિકાસ થાય છે. 2016-17માં વિવિધ ફળોના પાકનો વાવેતર વિસ્તાર 7.42 લાખ હેક્ટર છે, તેમાંથી 1.52 લાખ હેક્ટર કેરી, 1.08 લાખ નારંગી, 0.33 લાખ હેક્ટર મોસંબી, 1.41 લાખ હેક્ટર દાડમ, 0.82 લાખ હેક્ટર કેળાં, 0.16 લાખ હેક્ટર ચીકુ અને 1.04 લાખ હેક્ટર જમીનમાં દ્રાક્ષનું વાવેતર થાય છે. આ ઉપરાંત, રાજ્યમાંથી શાકભાજી, કાંદા અને ચોખાની નિકાસ પણ થાય છે.
દેશની કુલ કૃષિ નિકાસમાં મહારાષ્ટ્રનો ફાળો 50 ટકા કરતાં વધુ હોય છે. ફળો, શાકબાજી અને ધાન્યોની દર વર્ષે થતી નિકાસમાં મહારાષ્ટ્ર 60-70 ટકા હિસ્સો ધરાવે છે. સ્ટેટ માર્કેટિંગ બોર્ડ 44 સ્થળોએ એક્સ્પોર્ટ ફેસિલિટી સેન્ટર્સ સ્થાપ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer