વાહન આયાત પરની શુલ્કમાં વધારો છ માસ ટાળતા ટ્રમ્પ

દુબઈ, તા. 18: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી તંગદિલી વચાળે પર્શીઅન અખાતમાં તનાવ વધ્યો છે. અમેરિકી રાજદ્વારીઓએ એવી સાવચેતી ઉચ્ચારી છે કે પર્શીઅન અખાત પરથી પસાર થનારા કમર્સીઅલ વિમાનોએ જોખમોનો સામનો કરવો પડશે. અખાતી દેશોમાંના અમેરિકી જહાજોને તે આસાનીથી નિશાન બનાવી શકે છે એમ ઈરાને જણાવી દીધી છે તે સ્થિતિમાં આ ચેતવણી આવી પડી છે. જો કે ઈરાન અગાઉ પણ એવી ચિમકી આપી ચૂકયું છે કે તે તેલની આપૂર્તિની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવી હોર્મુઝની સામુદ્રધુનિને બંધ કરી શકે છે. દરમિયાન અન્ય એક અહેવાલ મુજબ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, વાહનોની આયાત પરના શુલ્કમાં ખાસી વૃદ્ધિ કરવાના નિર્ણયને છ મહિના સુધી ટાળી દીધો છે. (નિર્ણયને છ માસ ટાળી દેવા છતાં ટ્રમ્પે યુરોપી સંઘની નીતિ પર  હુમલા ચાલુ રાખતાં જણાવ્યું તો છે જ કે યુરોપી સંઘ અમારા માટે ખતરો છે.) તેમના આ પગલા પાછળની મકસદ, વ્યાપારમાં છૂટછાટને લઈને યુરોપ અને જાપાનની વાતચીતની મેજ પર લાવવાને દબાણ વધારવાનો છે. જો કે તેમના આ ફેઁસલાથી અસ્થાયી રૂપે, અનેક મોરચે ટ્રમ્પના ચાલી રહેલા વ્યાપારયુદ્ધને વધારવાની આશંકા કંઈક હળવી થઈ છે.
અમેરિકી રાજદ્વારીઓ એવા જોખમનો ઉલ્લેખ કર્યો છે જે પ્રવર્તમાન તનાવના ક્ષેત્રના વૈશ્વિક હવાઈ ટ્રાફિક સન્મુખ આવી રહ્યો છે. લોયડ ઓફ લંડને પણ ક્ષેત્રમાંના સમુદ્રી નૌવહન સામે વધેલા ખતરાની ચેતવણી આપી છે. અધિકારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે સંયુકત આરબ અમીરાતના કાંઠા પર તેલના ચાર ટેન્કરોને નિશાન બનાવાયા અને યમનમાં ઈરાન સાથે સંકળાયેલા વિદ્રોહીઓએ એક મહત્ત્વની સાઉદી તેલ પાઈપલાઈન પર ડ્રોન હુમલાની કરવાની જવાબદારી લીધી છે.. કુવૈત અને સંયુકત આરબ અમીરાતના રાજદ્વારીઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે પર્શીઅન અખાત અને ઓમાનના અખાત પરથી પસાર થનાર તમામ વાણિજ્યિક ઉડાનોએ, વધતી જતી સૈન્ય ગતિવિધિઓ અને રાજદ્વારી તનાવથી અવગત રહેવાની જરૂર રહેશે.
ઓબામા વહીવટીતંત્રના સમયમાં ઈરાન સાથે પી-પ વત્તા 1 દેશો, જર્મની અને યુરોપી સંઘના અણુ સમજૂતિ રચાઈ હતી, પરંતુ ટ્રમ્પ સરકારે તે સમજૂતિને ફગાવી દીધા બાદ ઈરાન પર અમેરિકાએ ફરી વાર કડક પ્રતિબંધ લાદી દીધા છે. આ પ્રતિબંધોની ઈરાની અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ છે અને તેની અસર ભારત, ચીન તથા પાક જેવા દેશોની તેલ આયાત પર પણ પડી છે. બીજી તરફ ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત કરવાને તૈયાર છે પણ ઈરાન ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરવાને તૈયાર નથી. બેઉ દેશો વચ્ચે વધતા તનાવ જોતાં અમેરિકાએ તેના વિમાનવાહક જહાજ અને બોમ્બવર્ષક વિમાન તૈનાત કર્યા છે.
ટ્રમ્પે શુલ્ક લાદવા જે ચેતવણી આપી હતી તેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં ખાસી ઉથલપાથલ મચી જવા આશંકા છે. દર વર્ષે સેંકડો અબજ ડોલરના વાહનોનું ઉત્પાદન અને નિકાસ થતી હોય છે. ટ્રમ્પે અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝરને યુરોપી સંઘ, જાપાન વ. સાથેની વાટાઘાટના પરિણામો અંગે 180 દિવસમાં સૂચિત કરવા જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer