પુલવામામાં ચાર આતંકવાદી ઠાર

અવંતિપોરાની અથડામણમાં શૌકતને  મોતને ઘાટ ઉતારી જવાન ઔરંગઝેબની શહીદીનો બદલો લીધો

નવી દિલ્હી, તા. 18 : જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં શૌકત અહમદ ડાર પણ હતો, જે જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ હતો. આ અથડામણ પુલવામાં જિલ્લાના અવંતિપોરામાં થઈ હતી. દરમ્યાન અનંતનાગમાં પણ એન્કાઉન્ટરના અહેવાલ હતા.
અવંતિપોરાના પંજગામમાં આજે સવારે આતંકવાદીઓ અને 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વચ્ચે આ અથડામણ થઈ હતી, જેમાં શૌકત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા.
ઉલ્લ્ઁખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સામાં ફરી એક વખત આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લામાં છેલ્લી ગુપ્તચર બાતમી અનુસાર આતંકવાદીઓ ખીણમાં ડર સર્જવાના પોતાના મનસૂબાને બર લાવવા પ્રવૃત્ત બન્યા છે. આ ખતરાને ધ્યાને લઈને સમગ્ર ખીણમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
બીજીતરફ છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓ સાથે અથડામણની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ સંજોગોમાં ખતરો માત્ર સરહદ પારના આતંકવાદીઓથી જ નહીં પરંતુ ખીણમાં લપાયેલા આતંકવાદીઓથી પણ છે. ગુરુવારે પણ પુલવામામાં એક ભીષણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer