ઈન્સ્યુરન્સ કંપનીઓને વીમા કવચમાં અમુક નવા

રોગોને ફરજિયાત સામેલ કરવા આદેશ
 
ઈરડાએ નવી માર્ગદર્શિકા ઘડી કાઢી
મુંબઈ, તા. 18 : ઈન્સ્યુરન્સ નિયામક `ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અૉફ ઈન્ડિયા (ઈરડા)એ અમુક રોગની યાદી તૈયાર કરી છે જેને વીમા કંપનીઓએ વીમા કવચ ફરજિયાત પૂરું પાડવું પડશે. આ રોગોને વીમા કવચમાંથી બહાર રાખી નહીં શકાય.
ઈરડાએ જે રોગ વીમા કવચ હેઠળ સામેલ કર્યા છે તેમાં માનસિક બીમારી અને તેને લગતી સમસ્યાઓ, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, અનુવાંશિક રોગો, કિશોરાવસ્થા અને રાજસ્વલા વિરામની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
વીમા નિયામકે સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલ, 2019 પછી ફાઈલ થયેલા અને મંજૂર થયેલા તમામ વીમા કવચને આ નવા રોગ તેમની પૉલિસીમાં ફરજિયાત સામેલ કરવા પડશે. જે વીમા અગાઉથી કાઢવામાં આવ્યા હતા અને જે ચાલુ સ્થિતિમાં છે તેમને આ નવા રોગનો સમાવેશ હમણાં નહીં થાય, પરંતુ 1 એપ્રિલ, 2020 પછી થશે.
માર્કેટમાં સંખ્યાબંધ આરોગ્ય વીમા કંપનીઓ અને પ્રોડક્ટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે નિયામક એવું ઈચ્છે છે કે નવા પ્રોડક્ટસ ઉમેરવા માટે સમાન અભિગમ વીમા કંપનીઓ અપનાવે છે. જોકે, નિયામકે એવી સ્પષ્ટતા પણ કરી છે કે જેમનો વીમો અગાઉથી 1 એપ્રિલ, 2019 પહેલાં શરૂ થયો હશે તેમને આ નવી યાદીનો લાભ નહીં મળે.
આ સાથે દરદી કૃત્રિમ સપોર્ટ સિસ્ટમ ઉપર હોય અને તેની ફરી સ્થિતિ સુધારવાની કોઈ શક્યતા ન હોય તો પણ વીમા કંપનીએ તેને વીમા કવચ આપવું પડશે. જોકે, લાઈફ સપોર્ટ સિસ્ટમ હેઠળ દરદીની સારવાર ડૉક્ટર દ્વારા જ્યાં સુધી થાય ત્યાં સુધી જ વીમા હેઠળ ખર્ચ કવર થશે.
આ સાથે વીમા નિયામકે અમુક એવા જટિલ રોગોનો ઉલ્લેખ કર્યો છે જેને કાયમી સ્વરૂપે વીમા કવરમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જેમ કે, અલ્ઝાઈમર્સ, પાર્કિન્સન્સ, નિઓપ્લાસમ્સ, એપિલિપ્સી, પેક્રિયાટિક રોગો, કિડનીના જટિલ રોગો, એચઆઈવી અને એઈડ્સ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer