જે ગરીબોની જાતિ તે જ મારી જાતિ માયાવતી ઉપર મોદીનો પલટવાર

જે ગરીબોની જાતિ તે જ મારી જાતિ માયાવતી ઉપર મોદીનો પલટવાર
લોકસભા ચૂંટણીમાં જાતિનો વિવાદ તેજ બન્યો

નવી દિલ્હી, તા. 11 : લોકસભા ચૂંટણી અંતિમ દોરમાં પહોંચવાની નજીક છે તેવામાં ઉત્તર પ્રદેશમાં જાતિ ઉપરની આક્ષેપબાજીઓ તેજ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બસપા પ્રમુખ માયાવતી વચ્ચે જાતિ મામલે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે. જેમાં મોદીએ ફરી એક વખત માયાવતી ઉપર અપ્રત્યક્ષ રૂપે પલટવાર કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મોદીની જાતિનો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે. પરંતુ દેશના ગરીબોની જે જાતિ છે તે જ મારી જાતિ છે. 
થોડા દિવસ અગાઉ માયાવતીએ આરોપ મુક્યો હતો કે રાજનીતિ સ્વાર્થ ખાતર મોદી પછાત બન્યા છે. તેઓ જન્મથી પછાત હોત તો આરએસએસએ વડાપ્રધાન બનાવ્યા ન હોત. આ નિવેદનને લઈને જ મોદીએ અપ્રત્યક્ષરૂપે પલટવાર કર્યો હતો. વધુમાં સામ પિત્રોડાના જે થયું તે થયું નિવેદન ઉપર કોંગ્રેસને ઘેરતા મોદીએ કહ્યું હતું કે, જે થયું તે થયું કહેનારા લોકોને ખદેડી કાઢવાની હિંમત જનતામાં છે. સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, સરદાર પટેલ જો દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો દેશમાં ખેડૂતોની સ્થિતિ અલગ હોત. પીએમએ કહ્યું હતું કે, વિકાસના દરેક પ્રયાસનો માહામિલાવટી લોકોએ વિરોધ કર્યો છે અને આ તેમની આદત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer