બોરીવલીમાં વાજપેયીના મ્યુઝિયમનું 25 મેએ લોકાર્પણ

બોરીવલીમાં વાજપેયીના મ્યુઝિયમનું 25 મેએ લોકાર્પણ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 11 : ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને દાયકાઓ સુધી ભાજપનું નેતૃત્વ કરનારા અટલ બિહારી વાજપેયીની સ્મૃતિને ચિરંજીવ બનાવે એવું સંગ્રહાલય બોરીવલીમાં આકાર પામ્યું છે. આવતી 25મી મેના દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
`અટલ સ્મૃતિ'ના થીમ ઉપર આધારિત આ સંગ્રહાલયમાં અટલ બિહારી વાજપેયીની સ્મૃતિને તાજી રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંગ્રહાલયમાં વાજપેયીનાં માતા-પિતા સહિત પરિવાર સંબંધી વિગતો છે. આ સંગ્રહાલયમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે. તેમાં પુસ્તકો ઉપરાંત વાજપેયીના જીવનના પ્રસંગો દૃશ્યશ્રાવ્ય માણી શકાય એવી વ્યવસ્થા છે.
આ સંગ્રહાલયની સંકલ્પના મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન અને ભાજપના બોરીવલીના વિધાનસભ્ય વિનોદ તાવડેની છે. અટલ બિહારી વાજપેયી 1977થી 1980ના ગાળામાં વડા પ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં વિદેશપ્રધાન હતા. તે સમયે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દી ભાષામાં કરેલા સંબોધનને સાંભળી શકાય એવી ગોઠવણ આ સંગ્રહાલયમાં છે. વાજપેયી વડા પ્રધાનપદે હતા ત્યારે ભારતે રાજસ્થાનમાં પોખરાણમાં પરમાણુ ધડાકો કર્યો હતો. બાદમાં અમેરિકાએ ભારત ઉપર કેટલાક આર્થિક નિયંત્રણો મૂક્યા હતા તે પોખરાણ ધડાકાનો ટૂંકો વીડિયો પણ સંગ્રહાલયમાં હશે.
વાજપેયીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાને ભારતના કારગિલમાં ઘૂસણખોરી કરીને કબજો જમાવ્યો હતો. ભારતના લશ્કરે તે બંકર તોડી પાડી પાકિસ્તાનના લશ્કરને મારી હટાવ્યું હતું. તે ઘટનાની ઝાંખી કરાવવા સંગ્રહાલયમાં બંકરોની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
વાજપેયી વડા પ્રધાન તરીકે જે ચેમ્બરમાં બેસતા હતા તેની રીપ્લીકા તેમ જ તેઓ વાપરતા હતા એવી પેન તેમ જ અન્ય ચીજવસ્તુઓ કે તેની પ્રતિકૃતિ પણ સંગ્રહાલયમાં જોવા મળી શકશે. તેના પાર્શ્વભૂમિમાં સંસદનું ચિત્ર હોય એવી વાજપેયીની પ્રતિમા પણ તેમાં મૂકવામાં આવી છે.
આ મ્યુઝિયમમાં વિશિષ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે મુલાકાતીની સાથે વાજપેયી વાત કરતાં હોય અને પ્રશ્નોના જવાબ આપે એવો આભાસ ઊભો કરી શકાય છે.
બોરીવલી (પશ્ચિમ)માં સિમ્પોલી ટેલિફોન એકસ્ચેન્જની સામેના હિસ્સામાં મનોરંજન માટેના ખુલ્લા પ્લૉટ ઉપર આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફાળવાયેલી રકમ અને મુંબઈ ઉપનગર જિલ્લાના ડી.પી.ડી.સી.ના નાણાં ભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. આ સંગ્રહાલયમાં નાગરિકોને નજીવા દરે પ્રવેશ અપાશે. તેમાંની લાઈબ્રેરીમાં વાજપેયી લિખિત પુસ્તકો અને કાવ્યસંગ્રહો તેમ જ રાષ્ટ્રવાદને લગતાં પુસ્તકો ઉપલબ્ધ હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer