ITCના ચૅરમૅન વાય. સી. દેવેશ્વરનું અવસાન

ITCના ચૅરમૅન વાય. સી. દેવેશ્વરનું અવસાન
નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : આઈટીસીને એક સિગારેટની મોટી કંપનીમાંથી એફએમસીજી, હોસ્પિટાલિટી, આઈટી અને અન્ય ક્ષેત્રમાં વૈવિધ્યકરણ દ્વારા અગ્રણી કંપની બનાવનારા તેમના ચેરમેન વાય સી દેવેશ્વરનું ટૂંકી માંદગી બાદ શનિવારે સવારે અવસાન થયું હતું. 
દેવેશ્વર (72)એ વર્ષ 2017માં આઈટીસીના ચેરમેન અને સીઈઓના પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તે નોન-એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત હતા. ગુરગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 
આઈટીસીના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીએ કહ્યું કે, વાય સી દેવેશ્વરના મૃત્યુથી અમે ઊંડા શોકની લાગણી અનુભવી રહ્યા છીએ.  દેવેશ્વરે કંપનીની કાયાપલટ કરીને વૃદ્ધિના પંથે લઈ ગયા હતા. આજની તારીખમાં આઈટીસીના લીધે 60 લાખથી પણ વધુ લોકોને રોજગાર મળે છે, જેમાંથી મોટા ભાગના આર્થિક રીતે નબળા લોકો છે, એમ પણ તેમણે કહ્યું હતું. 
દેવેશ્વર વર્ષ 1968માં આઈટીસીમાં જોડાયા હતા અને 11 એપ્રિલ, 1984ના રોજ ડિરેક્ટર બન્યા હતા. જ્યારે પહેલી જાન્યુઆરી 1996માં ચીફ એક્ઝીક્યુટિવ અને ચેરમેન બન્યા હતા. 
ભારતીય કોર્પોરેટ કંપનીઓમાં લાંબો સમય સુધી ટોચના પદ સંભાળનારાઓમાંથી દેવેશ્વર એક હતા. આઈટીસી મૂળત: એક સિગારેટ કંપની હતી, આગળ જતાં કંપનીએ વૈવિધ્યકરણ દ્વારા એફએમસીજી, હોસ્પિટાલિટી, પેપર, કૃષિ બિઝનેસ અને આઈટી ક્ષેત્ર વગેરેમાં પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યું છે. દેવેશ્વરે 1990ના દાયકામાં કંપનીની કમાન સંભાળ્યા બાદ આઈટીસીની કાયાપલટ થઈ હતી. તે વર્ષ 1991થી 1994 દરમ્યાન એર ઈન્ડિયાના પણ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. પદ્મભૂષણ મેળવનારા દેવેશ્વરે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ટ્રેડ બોર્ડના સભ્ય, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય, નેશનલ ફૂડ પ્રોસેસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલના પણ સભ્ય હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer