આઈએસએ ભારતમાં `પ્રાંત'' સ્થાપ્યાનો કર્યો દાવો!

આઈએસએ ભારતમાં `પ્રાંત'' સ્થાપ્યાનો કર્યો દાવો!
ઈરાક-સીરિયામાંથી ખદેડી મુકાયા બાદ કાશ્મીરમાં મોજુદગી દર્શાવવાનો પેંતરો?

નવી દિલ્હી /શ્રીનગર, તા. 11 : કાશ્મીરમાં આતંકીઓ અને સલામતી દળો વચ્ચેની અથડામણમાં એક આતંકી માર્યા ગયા બાદ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ, ભારતમાં પોતે, વિલાયાહ ઓફ હિન્દ નામે પ્રાંત સ્થાપ્યાનો પહેલી વાર દાવો કર્યો છે. આઈએસની અમાક સમાચાર એજન્સીએ શુક્રવાર એક યાદીમાં દાવો કર્યો હતો કે શોપીઆં જિલ્લાના અમ્શીપોરા ટાઉનમાં ભારતીય સેનાના જવાનોને ખત્મ કર્યા હતા. શોપીઆંની અથડામણમાં ઈશફાક અહમદ સોફી-જે આઈએસ સાથે સંકળાયેલો હતો- નામનો આતંકી માર્યો ગયો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.
એક સમયે ઈરાક અને સીરિયામાં હજારો માઈલના વિસ્તારો પર અંકુશ ધરાવતા આઈએસને પોતાની ઉપજાવી કાઢેલી ખિલાફતમાંથી ખદેડી દેવાયા બાદ પોતાની મોજુદગીને બળવત્તર બનાવવા આઈએસએ નવો પ્રાંત ઉભો કરવા હિલચાલ આદરી જણાય છે. આઈએસએ હિટ એન્ડ રન જેવા છાપા અને આત્મઘાતી હુમલાનું પ્રમાણ વધાર્યુ છે.
આઈએસના દાવાને વાહિયાત ગણી તેનો માંડી વાળી શકાય તેમ નથી એમ ઈસ્લામી અંતિમવાદીઓનું પગેરું રાખતા ઈન્ટેલ જૂથ સાઈટના ડિરેકટર રિટા કાટ્ઝ જણાવે છે. આ ભેદ્ય વિસ્તારોમાં જિહાદીઓ માટે, આઈએસની ખલિફાતનો નકશો ફરી ઉભો કરવાની ભૂમિકા ઉભી કરવાની મહત્વપૂર્ણ ચેષ્ટા બને તેમ છે. 
દાયકા કરતા વધુ સમયથી કેટલાક લડાકુ જૂથો સાથે સંકળાયેલો સોફી છેલ્લે આઈએસ સાથે સંકળાયો હતો. તેણે સલામતી દળો ભણી કેટલાક હાથબોમ્બ ઝીંકયા હોવા આશંકા છે. કાશ્મીરમાં ભારતીય શાસન વિરુદ્ધ દાયકાઓથી સશત્ર અથડામણ લડતા આવેલા અલગતાવાદીઓ આઈએસથી વિપરિત મુસ્લિમવિશ્વમાં સામ્રાજય સ્થાપવાની ઝંખના રાખી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer