સબ-ઈન્સ્પેક્ટરને તુમાખી ભારે પડી

સબ-ઈન્સ્પેક્ટરને તુમાખી ભારે પડી
હેલ્મેટ ન પહેરવા અને સિગ્નલ તોડવા બદલ દંડ ફટકારાયો અને તપાસ પણ શરૂ થઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : અમુક પોલીસોને ખાખી વરદીની તુમાખી હોય છે અને તેમને કાયદાની બીક પણ લાગતી નથી. તેમને જ્યારે કાયદાનું ભાન કરાવવામાં આવે તો ધાકધમકીની ભાષાનો ઉપયોગ કરે છે.
આવો જ એક બનાવ તાજેતરમાં ગોરેગામ ખાતે બન્યો હતો અને એનો વીડિયો પણ વાઈરલ થયો છે.
આ ઘટના ક્યારની છે એ ખબર નથી, પણ વીડિયોમાં એક પોલીસ અૉફિસર ટુ-વ્હીલર વગર હેલ્મેટે ચલાવે છે અને કોઈની પરવા કર્યા વગર મોબાઈલ પર વાતો પણ કરે છે. તેની પાછળ બાઈક પર સવાર એક તરુણ આનો વીડિયો ઉતારે છે. આ પોલીસવાળો આગળ સિગ્નલ પણ તોડે છે. જ્યારે વીડિયો ઉતારનાર તરુણ આ ઈન્સ્પેક્ટરને હેલ્મેટ કેમ પહેર્યું નથી અને સિગ્નલ કેમ તોડયું એવો સવાલ કરે છે તો પોલીસવાળો ધમકીના સૂરમાં એવો જવાબ આપે છે, તું મને પૂછવાવાળો કોણ? હેલ્મેટ એટલે શું? તું મને પૂછવાવાળો કોણ? અને મે સિગ્નલ તોડયું નથી શું, હું ઊડીને અહીં આવ્યો છું સમજ્યો.
એવું કહેવાય છે કે વીડિયોમાંનો પોલીસ અધિકારી સબ-ઈન્સ્પેક્ટર છે અને તેની સામે વિભાગીય તપાસના આદેશ અપાયા છે. વીડિયો વાઈરલ થયા બાદ આ પોલીસને ટ્રાફિક પોલીસના મલાડ ડિવિઝને અૉફિસમાં બોલાવ્યો હતો અને કાયદાનુસાર દંડ પણ ફટકાર્યો હતો. આ ઉદ્ધત પોલીસનો વીડિયો તરુણે મુંબઈ પોલીસના ટ્વીટર એકાઉન્ટ પર અને યુ-ટયુબ પર પણ અપલોડ કર્યો હતો. એ બાદ આ ઘટનાની નોંધ મુંબઈ પોલીસે લીધી હતી. ટ્રાફિક પોલીસે સબ-ઈન્સ્પેક્ટરને બોલાવી દંડ તો ફટકાર્યો હતો અને એની રસીદ ફરિયાદી તરુણને પણ મોકલવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer