વડા પ્રધાન અને પ્રધાનોએ વિદેશ અને સ્થાનિક પ્રવાસો

વડા પ્રધાન અને પ્રધાનોએ વિદેશ અને સ્થાનિક પ્રવાસો
પાછળ 393 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો
 
મુંબઈ, તા. 11  (પીટીઆઈ) : રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) અરજી દ્વારા એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે, વડા પ્રધાન અને તેમના પ્રધાન મંડળના પ્રધાનોએ તેમની વિદેશ અને સ્થાનિક યાત્રાઓ પાછળ છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં રૂપિયા 393 કરોડનો ખર્ચ કર્યો હતો.
શહેર સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ બાબતની માહિતી માગતી અરજી પીએમઓને કરી હતી.
ડિસેમ્બર 2018માં મોદી સરકારે રાજ્યસભામાં વિદેશયાત્રા ખર્ચ અંગેના સવાલોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, જૂન 2014થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો દરમિયાન ચાર્ટર્ડ ફ્લાઈટો, વિમાનની જાળવણી અને હોટલાઈન ફેસિલિટી પાછળ રૂપિયા 2021 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ગલગલીએ કરેલી આરટીઆઈ અરજીના જવાબમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે, વડા પ્રધાન અને તેમના કેબિનેટ સાથીઓના વિદેશ પ્રવાસો પાછળ રૂપિયા 263 કરોડ, જ્યારે સ્થાનિક પ્રવાસો પાછળ રૂપિયા 48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જ્યાં સુધી રાજ્યોના પ્રધાનોનો સવાલ છે તો તેમણે વિદેશ પ્રવાસો પાછળ રૂપિયા 29 કરોડ અને સ્થાનિક પ્રવાસો પાછળ રૂપિયા 53 કરોડનો ખર્ચ કર્યો હતો. આરટીઆઈ અરજીના જવાબ મુજબ કેબિનેટ પ્રધાનો અને વડા પ્રધાને આવા પ્રવાસો પાછળ રૂપિયા 311 કરોડનો, જ્યારે રાજ્ય કક્ષાના પ્રધાનોએ રૂપિયા 82 કરોડનો ખર્ચ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer