દિલ્હીમાં લોકસભાની વધુ બેઠકો જીતનારો પક્ષ કેન્દ્રમાં સત્તારૂઢ થાય છે!

શું આ માન્યતા 2019માં પણ સાચી પડશે?

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : દિલ્હી એ માત્ર સત્તાની બેઠક નથી, પરંતુ એ એક એવું સ્થળ છે જે નક્કી કરે છે કે નવી દિલ્હીમાં કોણ શાસન કરશે? એક એવી પ્રસ્થાપિત માન્યતા છે કે દિલ્હીની લોકસભાની બેઠકોમાંની મોટા ભાગની બેઠકો જે પક્ષ જીતે તે કેન્દ્રમાં સરકાર રચે છે. આ વાતને ધ્યાનમાં લેતાં આ માન્યતા અત્યાર સુધી તો સાચી પડી છે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં આ માન્યતા સાચી પડે છે કે કેમ?
દિલ્હીમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ ભાજપ, આપ અને કૉંગ્રેસ વચ્ચે થવાનો છે અને તેનો ફાયદો ભાજપને થશે, કારણ કે ભાજપ વિરોધી મત આપ અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જશે.
2014માં ભાજપે દિલ્હીમાંથી લોકસભાની તમામ સાત બેઠકો પર વિજય મેળવ્યો હતો અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા. 1998માં ભાજપે છ બેઠકો જીતતા એનડીએએ સરકાર બનાવી હતી અને અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા. 1999માં ભાજપે તમામ સાત બેઠકો જીતી લીધી હતી. લોકસભામાં મોટો જનાદેશ મેળવ્યો હતો. જોકે, 2004માં દિલ્હીનો જનાદેશ કૉંગ્રેસની તરફેણમાં ગયો હતો. જેણે તમામ સાત બેઠકો જીતી લીધી હતી અને ડૉ. મનમોહન સિંઘની આગેવાની હેઠળ કૉંગ્રેસની સરકાર બની હતી.
2014ની લોકસભાની ચૂંટણીમાં રાજધાની દિલ્હીની તમામ બેઠકો ભાજપે જીતી હતી ત્યારે આપે તેનો વોટશેર સુધાર્યો હતો. ભાજપ અને આપ બન્નેએ કૉંગ્રેસની નુકસાનીમાંથી ફાયદો મેળવ્યો હતો. 2014માં કૉંગ્રેસે દિલ્હીમાં વોટશેરમાં મોટી નુકસાની ભોગવી હતી. 2009માં કૉંગ્રેસે દિલ્હીની તમામ સાત બેઠકો મેળવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer