સરહદે તનાવ ઓછો કરવા પાકિસ્તાનની ભારતને આજીજી

સૈન્ય અને કૂટનીતિક દબાણને પગલે પાકિસ્તાન નબળું પડયું : સરહદે આતંકી લોન્ચ પેડ પણ અસ્થાયી રૂપે બંધ કર્યાના અહેવાલ 

નવી દિલ્હી, તા. 11 : પુલવામા હુમલા બાદ ભારતની એરસ્ટ્રાઈક, કૂટનીતિક દબાણ અને એલઓસી ઉપર સેનાની જવાબી કાર્યવાહીના કારણે પાકિસ્તાન હવે ઢીલું પડયું છે અને સરહદ ઉપર તનાવ ઓછો કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારત સરકારના સૂત્રોના હવાલાથી અહેવાલો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાની સેના એલઓસીએથી પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપને પણ હટાવવા માટે તૈયાર છે. પાકિસ્તાની સેનાએ એલઓસી નજીક આવેલા આતંકવાદીઓના લોન્ચપેડ પણ અસ્થાયીરૂપે બંધ કર્યા છે. જો કે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આતંકવાદ અને ઘુસણખોરી ઉપર રોક જ શાંતિનો એકમાત્ર રસ્તો છે. 
કાશ્મીરના પુલવામામાં થયેલા ફિદાયીન હુમલા બાદ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેંિનંગ કેમ્પ ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈક બાદ એલઓસી ઉપર તનાવમાં વધારો થયો હતો. ભારતીય સેનાએ એલઓસી ઉપર પાકિસ્તાન તરફથી થતા શસ્ત્રવિરામ ભંગનો પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. થોડા દિવસ અગાઉ જ ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારતની સરખામણીએ 5 થી 6 ગણું વધારે નુકસાન થયું છે.  રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતનું દબાણ એટલું છે કે પાકિસ્તાની સેના સરહદેથી સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) હટાવવા માટે તૈયાર છે. તેમજ તોપખાનાના ઉપયોગ ઉપર પણ રોક મુકવાની વાત કરી છે. આ યૂનિટ પુલવામા હુમલા બાદ તૈનાત કરી હતી. જો કે ભારતીય સેનાએ એરસ્ટ્રાઈકથી પહેલા જ એલઓસી ઉપર તૈયારી કરી લીધી હતી.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન ઉપર માત્ર સૈન્ય નહી પણ કૂટનીતિક દબાણ પણ વધ્યું હતું. અમેરિકા, ફ્રાન્સ, રશિયા સાથે નજીકના મિત્ર ચીને પણ પાકિસ્તાનને સલાહ આપી હતી. આ દરમિયાન યુનોએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન વર્તમાન સમયમાં એફએટીએફના ગ્રે લિસ્ટમાં છે અને હવે બ્લેક લિસ્ટ થવાનું પણ જોખમ તોળાઈ રહ્યું છે. તેવામાં તૂટી રહેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે આઈએમએફ પાસેથી પણ લોન લેવામાં મુશ્કેલી પડી રહી છે.  
સપાટી ઉપર આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચારેબાજુથી ઉઠી રહેલા દબાણ બાદ હવે પાકિસ્તાને આતંકી લોન્ચ પેડ બંધ કર્યા છે. તેમજ એરસ્ટ્રાઈક બાદ પાડોસી દેશને લાગી રહ્યું છે કે ભારત પાકિસ્તાન તરફથી થતી દરેક આતંકવાદી હરકતનો જવાબ આપશે. એક જાણકારી મુજબ ચોમાસા પહેલા ભારતીય સેના પોતાના બંકરોનું સમારકામ કરે છે. જેમાં દરેક વખતે પાકિસ્તાન તરફથી ખલેલ પાડવામાં આવતી હતી. જો કે આ વખત કોઈપણ જાતનો કાંકરીચાળો થયો નથી. આટલું જ નહી વળતા જવાબમાં જે પાકિસ્તાની ચોકીઓ ફુંકી મારવામાં આવી હતી તેને ફરીથી તૈયાર કરવાનો મોકો પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો નથી.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer