27.5 કરોડ ભારતીયોની માહિતી હેક

એક અહેવાલ મુજબ બે અઠવાડિયા સુધી ડેટા સાર્વજનિક રહ્યા બાદ હેક થયો 

નવી દિલ્હી, તા. 11: સિક્યોરિટી રીસર્ચર ડિસ્કવરીના એક અહેવાલમાં સામે આવ્યું છે કે 27.5 કરોડ ભારતીયોનો ડેટા બે અઠવાડિયા માટે અસુરક્ષિત રહ્યો હતો. જે એક હેકર્સ ગ્રુપે હાઈજેક કરી લીધો હતો. સિક્યોરિટી એક્સપર્ટ બોબ ડિયાચેંકોના કહેવા પ્રમાણે ભારતીય નાગરિકોનો મેંગોડીબી ડેટાબેઝ એમેઝોન એડબલ્યુએસ ઉપર હતો. જે સાર્વજનિકરૂપે એક્સેસ કરી શકાતો હતો.
મે મહિનાની શરૂઆતમાં બોબ ડિયાચેંકોને મોંગોડીબી ઉપર અસુરક્ષિત ડેટા જોવા મળ્યો હતો. જેમાં 27.5 કરોડ ભારતીય નાગરિકોનો રેકોર્ડ હતો. આ રેકોર્ડમાં પીઆઈઆઈ (પર્સનલ આઇડેન્ટિફાઇએબલ ઇન્ફોર્મેશન) હતી. કહેવાઈ રહ્યું છે કે તમામ રેકોર્ડ અંદાજિત બે અઠવાડિયા સુધી સાર્વજનિક રહ્યો હતો. જેમાં યુઝર્સનું નામ, ઇ - મેઇલ, જેન્ડર, શિક્ષણ સ્તર, પ્રોફેશનલ સ્કિલ, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરેનો સમાવેશ થાય છે. બોબે દાવો કર્યો હતો કે સાર્વજનિક રૂપે એક્સેસ થઈ શકતી માહિતીઓ મામલે 1 મેના રોજ જ સીઈઆરટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતાં 8 મે સુધી અસુરક્ષિત ડેટા મામલે કોઈપણ કાર્યવાહી થઈ નહોતી. આ સમયમાં હેકર્સે ડેટા હાઈજેક કરીને વ્હાઈપ આઉટ કરી નાખ્યો હતો અને એક કોડેડ મેસેજ છોડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer