સરહદે તણાવ છતાં પાકિસ્તાનમાં ભારતીય ચાની નિકાસમાં વેગ

કોલકાતા, તા. 11 : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તણાવ વધવા છતાં ભારતીય ચાની પાકિસ્તાન ખાતેની નિકાસ પર વિશેષ અસર થઈ નથી. ઊલટાનું ભારતીય ચા ઉદ્યોગ આ વર્ષે પડોશી દેશમાં 242.5 કરોડ કિલો ચાની નિકાસની અપેક્ષા રાખે છે, જે ગયા વર્ષમાં 1.583 કરોડ કિલો નોંધાઈ હતી.
આફ્રિકન દેશોમાં તીવ્ર દુકાળના કારણે મોમ્બાસા ઓકશન ખાતે ચાના ભાવમાં 15-20 ટકાનો ઉછાળો નોંધાયો છે. આના કારણે પાકિસ્તાન ભારતમાંથી વધારે ચાની આયાત કરવા પ્રેરાયું છે.
પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતી કુલ ચામાંની આશરે 80 ટકા ચા દક્ષિણ ભારતમાંથી કરવામાં આવે છે. બાકીની 20 ટકા ચા આસામમાંથી નિકાસ કરવામાં આવે છે. પાછલા વર્ષે કેન્યામાં 49.29 કરોડ કિલો ચાનો વિક્રમ પાક ઊતર્યો હતો જેના કારણે વિશ્વ બજારમાં ચાના ભાવ ઘટયા હતા. કિંમત ઘટતા ભારતીય ચાને પણ નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે કેન્યામાં ચાનું ઉત્પાદન ઘણું ઓછું હશે.
ઈન્ડિયન ટી એસોસિયેશનના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી નિયમિતપણે પેમેન્ટ આવી રહ્યું છે. ભારતના ચાના નિકાસકારોને પેમેન્ટના મુદ્દે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પાકિસ્તાન સારી માત્રામાં ભારતની ચા ખરીદે છે. આ પ્રવાહ જો જળવાઈ રહેશે તો આ વર્ષે 202.5 કરોડ કિલો ચાની નિકાસને પ્રાપ્ત કરી શકાશે, એમ ઈન્ડિયન એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
આમ તો ભારતીય ચા માટે રશિયા મોટું બજાર છે. તેણે 2018માં ભારતમાંથી 4.507 કરોડ કિલો ચાની આયાત કરી હતી, તો ઈજિપ્તે 2018માં 1.136 કરોડ કિલો તો ઈરાને 3.060 કરોડ કિલો ચાની આયાત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer