ગુજરાતમાં ઘૂંટણ અને થાપાની સર્જરી માટે પાંચ લાખ સુધીની મદદ મળશે

અત્યાર સુધી 40 હજારની સહાય મળતી હતી : મા વાત્સલ્ય યોજના હેઠળ રકમ વધારાઈ

અમદાવાદ, તા. 11 : રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂપિયા 5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. જેથી ઘૂંટણ કે થાપાના દર્દથી પીડાતા દર્દીઓ રાજ્ય સરકારની આ યોજનાઓ હેઠળ હવે સરળતાથી ઘૂંટણ રીપ્લેસમેંટ કરી શકાશે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ સુધીની કેશલેસ સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયનો અગત્યનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા માં અને મા વાત્સલ્ય યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. આમ ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ.5 લાખ સુધીની નિયત કરવામાં આવેલી કેશલેસ સારવારનો લાભ મળી શકશે. આ નિર્ણયનો અમલ તા.14 માર્ચ, 2019થી અમલ ગણાશે અને યોજનાના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર માટે કેશલેસ લાભ મળશે. જો કે, આ યોજનાનો લાભ લેવા માટે મા અને મા વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે કોઈ લાભાર્થીને ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય તેમને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકે ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer