નાયબ વડા પ્રધાન પદ મળે તો વિપક્ષી ગઠબંધનને સાથ આપશે કેસીઆર

તેલંગણના મુખ્ય પ્રધાને કૉંગ્રેસ સુધી પહોંચાડી વાત : શરત ઉપર ભરોસો મળે તો 21ની બેઠકમાં જોડાશે
 
નવી દિલ્હી, તા. 11 : તેલંગણના મુખ્યમંત્રી અને ટીઆરએસના પ્રમુખ કેસીઆરના કહેવા પ્રમાણે 23 મેના પરિણામ બાદ જો કોઈ ઘટકને પૂર્ણ બહુમત ન મળે તો તેઓ ગેર ભાજપ ગઠબંધનનો હિસ્સો બનવા તૈયાર છે અને પુરી સક્રિય ભૂમિકા ભજવવા માટે પણ તૈયાર છે. જો કે કેસીઆરે આ માટે શરત મુકી છે કે વિપક્ષી ગઠબંધન તેઓને નાયબ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે તો જ સાથ આપશે.
આગામી 21મી મેના રોજ દિલ્હીમાં વિપક્ષી બેઠક થવાની છે. આ અગાઉ પણ પોતાને ડેપ્યૂટી પીએમ બનાવવામાં આવશે તેવો ભરોસો આપવામાં આવે તો જ બેઠકમા ભાગ લેશે તેમ કેસીઆરએ કહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  કેસીઆરએ નાયબ પીએમ પદ માટે ડાબેરી નેતાઓને વાત કરી છે અને બીજા વિપક્ષી દળો સુધી વાત પહોંચાડવા કહ્યું છે. જ્યારે કોંગ્રેસે આ મામલે કોઈપણ સંકેત આપ્યો નથી. પક્ષનું માનવું છે કે તમામ બાબતોનો નિર્ણય પરિણામ બાદ જ થઈ શકે તેમ છે. જો કે કેસીઆર સાથે સંપર્ક બનાવી રાખ્યો છે. કહેવાય છે કે કેસીઆર પોતે કેન્દ્રની રાજનીતિમાં સામેલ થઈને તેલંગણની કમાન પુત્રને સોંપવાનું વિચારી રહ્યા છે. બીજીતરફ વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ ચૂંટણી પહેલા કોઈપણ બાબતનો ફોડ ન પાડવાનો સંકેત આપ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer