દિલ્હીની સાત બેઠકો પર કોનો કોની સામે મુકાબલો ?

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : પાટનગરની સાતે સાત બેઠકો માટે રવિવારે મતદાન થવાનું છે.
(1) ચાંદની ચોક : લોકસભા મતદાર વિસ્તાર : ચાર લોકસભા ચૂંટણીઓનાં પરિણામો આ પ્રમાણે છે: 1999માં ભાજપના નેતા વિજય ગોયલે આ બેઠક જીતી હતી. 2004માં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભાજપના નેતા સ્મૃતિ ઝુબિનને હરાવ્યા હતા. 2009માં પણ સિબ્બલ જીત્યા હતા. 2014માં ભાજપના નેતા હર્ષવર્ધને આમ આદમી પાર્ટીના આશુતોષને હરાવ્યા હતા.
આ વખતે ભાજપે કૉંગ્રેસના જે.પી. અગ્રવાલની સામે તેના વર્તમાન સાંસદ હર્ષવર્ધનને ઊભા રાખ્યા છે.
(2) નોર્થ ઇસ્ટ દિલ્હી : લોકસભા મતદાર વિસ્તાર: 2009માં આ બેઠક કૉંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલે જીતી હતી અને 2014માં ભાજપના મનોજ તિવારીએ આપના આનંદકુમારને હરાવીને આ બેઠક જીતી લીધી હતી.
આ વેળા ભાજપે મનોજ તિવારીને ફરીથી તક આપી છે જેમની સામે કૉંગ્રેસનાં મજબૂત ઉમેદવાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત ઊભાં છે.
(3) ઈસ્ટ દિલ્હી : 1999માં ભાજપના નેતા લાલ બિહારી તિવારી આ બેઠક જીત્યા હતા, પરંતુ તેઓ 2004માં કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત સામે હારી ગયા હતા. 2014માં ભાજપના મહેશ ગીરીએ આપના રાજમોહન ગાંધીને હરાવીને આ બેઠક જીતી હતી.
આ વેળા ભાજપે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ઊભા રાખ્યા છે જેમની સામે કૉંગ્રેસે અરવિંદ સિંઘ લવલીને મેદાનમાં ઉતાર્યા છે.
(4) ન્યૂ દિલ્હી : 1999માં ભાજપના નેતા જગમોહન વિજેતા બન્યા હતા. જોકે 2004માં તેઓ કૉંગ્રેસના અજય માકન સામે હારી ગયા હતા. 2009માં પણ માકેને ભાજપના વિજય ગોયલને હરાવ્યા હતા. જોકે 2014માં ભાજપના મીનાક્ષી લેખીએ આપના આશિષ ખેતાનને હરાવીને આ બેઠક જીતી લીધી હતી.
આ વેળા ભાજપે આ બેઠક પર ફરી એકવાર મીનાક્ષી લેખીને ઊભાં રાખ્યાં છે જેમનો મુકાબલો કૉંગ્રેસના અજય માકેન સામે થવાનો છે.
(5) નોર્થ વેસ્ટ દિલ્હી : 2009માં કૉંગ્રેસના કૃષ્ણા તિરથ આ બેઠક જીત્યાં હતાં. 2014માં ભાજપના ઉદિત રાજે આપના રાખી બિરલાને હરાવ્યા હતા. જોકે આ વેળા ભાજપે આ બેઠક પર સૂફી ગાયક હંસરાજ હંસને ટિકિટ આપતા ઉદિત રાજ નારાજ થયા છે. કૉંગ્રેસે આ વેળા રાજેશ લિલોથિયાને ટિકિટ આપી છે.
(6) વેસ્ટ દિલ્હી : 2009માં કૉંગ્રેસના મહાબલ મિશ્રા આ બેઠક પરથી જીત્યા હતા. 2014માં ભાજપના પ્રવેશ વર્માએ આપના જરનૈલ સિંઘને હરાવ્યા હતા.
આ વખતે ભાજપના પ્રવેશ વર્મા અને કૉંગ્રેસના મહાબલ મિશ્રા વચ્ચે મુખ્ય મુકાબલો છે.
(7) સાઉથ દિલ્હી : 1999માં ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ કૉંગ્રેસના મનમોહન સિંઘને હરાવ્યા હતા. 2004માં પણ મલ્હોત્રા જીત્યા હતા. 2009માં કૉંગ્રેસના રમેશકુમાર સાંસદ થયા હતા. તેમણે ભાજપના રમેશ બિધુડીને હરાવ્યા હતા. 2014માં જોકે રમેશ બિધુડીએ આપના કર્નલ દેવીન્દર સેહરાવતને હરાવીને આ બેઠક જીતી લીધી હતી.
આ વેળા ભાજપે રમેશ બિધુડીને ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસના બૉક્સર વિજેન્દર સિંહ અને આપના રાઘવ ચઢ્ઢા ઊભા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer