વડા ન્યાયમૂર્તિએ જાતીય સતામણીના આરોપો નકાર્યા

વડા ન્યાયમૂર્તિએ જાતીય સતામણીના આરોપો નકાર્યા
ન્યાયતંત્રને અસ્થિર કરવા મોટી સાજીશ છે, ફરિયાદી મહિલા પાછળ મોટી તાકાત રહેલી છે: ગોગોઈ

નવી દિલ્હી તા. 20: સર્વોચ્ચ અદાલતમાં આજે ખાસ બેન્ચની ચાલી રહેલી સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ, જાતીય સતામણીના તેમની સામે થયેલા આક્ષેપોને નકાર્યા હતા અને આ વિષયે રીપોર્ટીગ કરવામાં સંયમ દાખવવા મીડિયાને અનુરોધ કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉલ્લેખેલી `જાહેર મહત્વની મોટી બાબત' અદાલત સાંભળશે એવી જાહેરાત રંજન ગોગોઈ, ન્યા. અરુણ મિશ્રા અને સંજીવ કુમારની બનેલી બેન્ચે સવારે જાહેરાત કરી હતી. એક મહિલાએ સીજેઆઈ સામે જાતીય સતામણીના કરેલા આક્ષેપો અંગે વેબ આધારિત કેટલાક મીડિયા અહેવાલને લગતો આ કેસ હતો.
સુનાવણી દરમિયાન સીજેઆઈએ જણાવ્યું હતું કે `સ્વતંત્ર રહેતા આવેલા ન્યાયતંત્રને અસ્થિર કરવાની આ મોટી સાજીશ છે.(મારી સામે) જાતીય સતામણીના આરોપો લગાવનાર અને ગુનાઈત ઈતિહાસ ધરાવતી આ મહિલા પાછળ કોઈક મોટી તાકાત રહેલી છે.'
સીજેઆઈ ગોગોઈએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રમાં વીસ વર્ષની નિ:સ્વાર્થ સેવા બાદ મારું બેન્ક બેલેન્સ રૂ. 6.80 લાખ અને પ્રો.ફન્ડ રૂ. 40 લાખનું છે. પેલી તાકાતો, મારી વિરુદ્ધ બીજું કશું ન મળતાં આ અનૈતિક મહિલાને મારી વિરુદ્ધ આરોપો મૂકવા ઈસ્તેમાલ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer