બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીનો આરબ ભૂમિ પર હિન્દુ મંદિરનો સંકલ્પ સાકાર થશે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીનો આરબ ભૂમિ પર હિન્દુ મંદિરનો સંકલ્પ સાકાર થશે
હજારો ભક્તોની હાજરીમાં બીએપીએસના મહંત સ્વામી મહારાજ અને આરબ રાજવી મંત્રીઓએ કર્યો ઐતિહાસિક શિલાન્યાસ     

અબુધાબી, તા. 20 : સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. આ ઈસ્લામિક આરબ દેશોમાં દાયકાઓથી વસતા હિન્દુઓ અને ભારતીયો હવે હર્ષભેર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પ અનુસાર હવે આ આરબ ભૂમિ પર નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય હિન્દુ મંદિર. 
અત્રે ઉલ્લેખનીય છે કે સન 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય. 
બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓના એ સંકલ્પને સાકાર કરતો અનોખો અવસર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે તા. 20 એપ્રિલ, 2019ના રોજ યોજાઈ ગયો. એ હતો -અબુધાબીમાં રચાઈ રહેલા બીએપીએસ હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ.  
આ અવસર માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 50થી વધુ સંતોના સંઘ સાથે યુએઈની 11 દિવસીય યાત્રાએ પધાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી તરીકે યુએઈ ખાતેની તેઓની આ સર્વપ્રથમ ધર્મયાત્રા છે. 
શિલાન્યાસ મહોત્સવ 
આજનો દિવસ યુએઈના ઇતિહાસની એક અમરક્ષણ બની રહ્યો હતો. દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર નંદનવન ખડું થયું હતું. હાઈ-વે પરથી બીએપીએસ હિન્દુ મંદિરની આ વિશાળ ભૂમિ પર પ્રવેશ કરતાં જ ભારત, યુએઈના રાષ્ટ્રધ્વજ ઉપરાંત વિવિધ રંગી ધ્વજાઓથી અનોખા ઉત્સવનું વાતાવરણ ખડું થયું હતું. સુશોભિત પ્રવેશદ્વારો, રેતીના એક ઊંચા ઢગ પર નિર્માણાધીન મંદિરની વિશાળ પ્રતિકૃતિ, બે વાતાનુકૂલિત અને અલંકારોથી મંડિત વિશાળ મહામંડપો, મહાનુભાવો માટે સુંદર મજલિસ - આ બધું જ સંતો અને સ્વયંસેવકોના દિવસ-રાતના પુરુષાર્થની છડી પોકારતું હતું.  
જ્યાં શિલાન્યાસ વિધિ કરાયો એ 45,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ `પ્રમુખસ્વામી મંડપમ્' સવારે 8-00 વાગ્યે દેશ-વિદેશના 5000 હરિભક્તોથી છલકાવા લાગ્યો હતો. યુએઈ તથા મસ્કત, બાહરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરે આરબ દેશો ઉપરાંત ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, અમેરિકા, કૅનેડા, અૉસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલૅન્ડ વગેરે દેશોના નિમંત્રિત હરિભક્તો હજારોની સંખ્યામાં આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer