હવે મોદીની વેબસિરીઝ પર પંચની ગાજ

હવે મોદીની વેબસિરીઝ પર પંચની ગાજ
પાંચ હપ્તાના અૉનલાઇન સ્ટ્રીમિંગ બાદ રોક : ઇરોઝ નાઉને આપ્યો આદેશ

નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક ફિલ્મની રિલીઝને રોકવામાં આવ્યા બાદ હવે મોદી આધારિત વેબ સિરીઝ પર પણ ચૂંટણીપંચની ગાજ પડી છે. ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીના જીવન આધારિત વેબ સિરીઝ `મોદી : જર્ની ઓફ અ કોમન મેન' પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 
આજે ચૂંટણીપંચે ઈરોઝ નાઉને આદેશ આપ્યો હતો કે તે આ વેબ સિરીઝના તમામ હપ્તાનું પ્રસારણ (સ્ટ્રીમિંગ) તેના તમામ મીડિયમ પર બંધ કરી દે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના મતદાન તબક્કા શરૂ થઈ ચૂક્યા છે તે દરમ્યાન વિવેક ઓબેરોય અભિનિત `પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મને સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ચૂંટણીપંચે પ્રદર્શિત કરવા સામે રોક લગાવી હતી. ફિલ્મ 12 એપ્રિલના રિલીઝ થવાની હતી. હવે મોદી પરની બાયોપિક પર પણ ચૂંટણીપંચની રોક લાગી છે.
પીએમ પર બનેલી સિરીઝના પાંચ હપ્તાનું સ્ટ્રીમિંગ થઈ ચૂક્યું છે. આ સિરીઝના પાંચ હપ્તા તમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવા અંગે અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. તમને સૂચના આપવામાં આવે છે કે વધુ આદેશ આવે ત્યાં સુધી આ વેબ સિરીઝનું ઓનલાઈન સ્ટ્રીમિંગ અટકાવી દેવામાં આવે અને તેને લગતી તમામ સામગ્રી હટાવવામાં આવે એમ ચૂંટણીપંચે ઈરોઝ નાઉને આપેલા આદેશમાં જણાવ્યું હતું.
ગત સોમવારે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીપંચને જણાવ્યું હતું કે, વડાપ્રધાન પરની વેબ સિરીઝ એપ્રિલ મહિનામાં ઈરોઝ નાઉ દ્વારા ઓનલાઈન સ્ટ્રીમ થઈ હતી અને આ માટે કંપની દ્વારા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી) પાસેથી મંજૂરી પણ લેવામાં આવી ન હતી.
દરમ્યાન, વેબ સિરીઝના નિર્માતાએ જણાવ્યું હતું કે, આ સિરીઝ ચૂંટણી દરમ્યાન રિલીઝ થવી એ માત્ર એક સંયોગ છે. અમે આ સિરીઝ પર છેલ્લા 11 મહિનાથી કામ કરી રહ્યા હતા. ટેકનિકલ સમસ્યાઓને કારણે તેને સ્ટ્રીમ કરવામાં મોડું થયું હતું. આ વેબ સિરીઝનું લેખન મિહિર ભૂટાનું છે. મોદીના જીવનના ત્રણ તબક્કા તેમાં દર્શાવવામાં આવ્યા છે, જેને ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરે નિભાવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer