રાજકીય પાર્ટીઓ ગમે તે ભોગે સત્તા મેળવવા માગે છે

રાજકીય પાર્ટીઓ ગમે તે ભોગે સત્તા મેળવવા માગે છે
રાજકારણ ગુંડાગીરી બની ગયું છે : અણ્ણા હઝારે

રાળેગણ સિદ્ધિ, તા.20 (પીટીઆઇ) : ચૂંટણીમાં ગેરરીતિઓ દૂર કરવા તેમ જ દેશમાં ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયામાં ધરખમ ફેરફારોની જરૂર છે, એમ ભ્રષ્ટાચાર વિરોધી વરિષ્ઠ ચળવળકાર અણ્ણા હઝારેએ જણાવ્યું હતું. 81 વર્ષના ગાંધીવાદી હઝારેએ કહ્યું હતું કે મતદાતાઓમાં જાગૃતિનો સદંતર અભાવ હોવાથી રાજકીય પાર્ટીઓ શામ,દામ,દંડ અને ભેદની નીતિ અપનાવીને કોઇ પણ ભોગે ચૂંટણી જીતી જાય છે, તેના કારણે રાજકારણ સામાન્ય માણસોની પહોંચ બહાર બની ગયું છે, જો આવી જ પરિસ્થિતિ રહેશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય. 
પોતાના ગામ રાળેગણસિદ્ધિમાં પત્રકારો સાથેની વાતચીતમાં હઝારેએ કહ્યું હતું કે મતદારો લોકશાહીનો સ્તંભ છે. પરંતુ આજકાલ ચૂંટણી દરમિયાન દેશભરમાંથી જે રીતે મોટી રોકડ પકડાય છે તે જોઇને આંચકો લાગે છે કે મતદારો પણ પૈસા લઇને મત આપે છે. દેશની સ્વતંત્રતા માટે ન્યોચ્છાવર થનારા સ્વતંત્રતાસેનાનીઓ અને તેમના સ્થાપેલાં મૂલ્યોને આપણે ભૂલી ગયા છીએ? 
પાર્ટીઓ ગમે તે રીતે સત્તા મેળવવા માગતી હોવાથી રાજકારણ ગુંડાગીરી બની ગયું છે, તેના કારણે દેશની સંસદ અને વિધાનસભાઓની પવિત્રતા જોખમાઇ છે. દેશના ટોચના નેતાઓ કહે છે કે અમે દેશના બંધારણમાં વિશ્વાસ ધરાવીએ છીએ, પરંતુ બંધારણમાં ક્યાંય ચૂંટણી ચિહ્ન અને રાજકીય પાર્ટીઓનો ઉલ્લેખ જ નથી. પચીસ વર્ષથી વધુ વયની કોઇ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. ચૂંટણી ચિહ્નને દૂર કરવાની માગણી હું છેલ્લાં છ વર્ષથી દેશના ચૂંટણી પંચ સમક્ષ કરી રહ્યો છું કેમ કે દેશનું બંધારણ માત્ર વ્યક્તિને ઓળખે છે, પાર્ટી કે ચૂંટણી ચિહ્નને નહીં. 
હઝારેના જણાવ્યા પ્રમાણે શહીદોના બલિદાનના નામે મતો માગવા એ ચૂંટણી જીતવા ગમે તે હદે જવા સમાન છે અને આવો દુરુપયોગ આજકાલ જોવા મળે છે, જનતા ઘોર નિંદ્રામાં છે. પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવા કેટલાય મુદે 32 પત્રો લખ્યા છે પરંતુ તેમના તરફથી કોઇ જ જવાબ નથી મળ્યો એવું હઝારેએ નિરાશ વદને કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer