વાંધાજનક ટિપ્પણી મામલે હાર્દિક - રાહુલને દંડ

વાંધાજનક ટિપ્પણી મામલે હાર્દિક - રાહુલને દંડ
બીસીસીઆઈ લોકપાલે 20 - 20 લાખ રૂપિયા દંડ ફટકાર્યો : ચાર અઠવાડિયાંમાં દંડ ન ભરે તો મૅચ ફીમાંથી કપાશે

નવી દિલ્હી, તા. 16: બીસીસીઆઈની લોકપાલ કમિટીએ હાર્દિક પંડયા અને કેએલ રાહુલને એક ટીવી શો ઉપર મહિલાઓ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. બીસીસીઆઈ લોકપાલ અનુસાર આ બન્ને ખેલાડી એક - એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબરલના પરિવારને આપશે. જ્યારે આટલી જ રકમ બ્લાઈન્ડ ક્રિકેટ માટે આપશે. બન્ને ખેલાડીઓને દંડની રકમ ચાર અઠવાડિયાની અંદર જમા કરાવવાની રહેશે. લોકપાલે એમ પણ કહ્યું હતું કે, હાર્દિક અને કેએલ રાહુલ તરફથી સમય રહેતા દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો બીસીસીઆઈ આ રકમને મેચ ફીમાંથી કાપી શકે છે. 
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોકપાલ ન્યાયમૂર્તિ (નિવૃત્ત) ડીકે જૈને કોફી વિથ કરણ કાર્યક્રમમાં વાંધાજનક ટિપ્પણી બદલ હાર્દિક પંડયા અને રાહુલને નોટિસ જારી કરીને ગયા અઠવાડિયે સુનાવણી માટે હાજર થવા કહ્યું હતું. જૈને પૂર્વ સીએજી વિનોદ રાયની અધ્યક્ષતાની સીઓએને સમગ્ર મામલાનો રીપોર્ટ સોંપ્યો હતો તેમજ હવે રાહુલ અને પંડયાને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોફી વિથ કરણ ચેટ શોનો વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં પ્રસારિત થયો હતો ત્યારબાદ ભારે વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા ઉપર બન્ને ખેલાડીઓની ખૂબ આલોચના થઈ હતી. ત્યારબાદ બન્નેને સસપેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચેથી ભારત પરત બોલાવી લેવાયા હતા. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિએ નવા ન્યાયમિત્ર પીએસ નરસિંહા સાથે વાત કરીને ખેલાડીઓ ઉપરથી તપાસ ચાલે ત્યાં સુધી સસપેન્ડ રહેવાની સજા હટાવી હતી અને બન્નેએ ક્રિકેટમાં વાપસી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer