નવા સુકાની સ્મિથની અર્ધ સદી, રાજસ્થાન જીત્યું

નવા સુકાની સ્મિથની અર્ધ સદી, રાજસ્થાન જીત્યું
સુકાની સ્ટિવ અને પરાગની 70 રનની ભાગીદારી : પાંચ વિકેટે મુંબઇની ચોથી હાર

જયપુર, તા. 20 : અણનમ અર્ધસદી કરનારા સુકાની સ્ટિવ સ્મિથ અને રેયાન પરાગની 70 રનની  ભાગીદારીના બળે આજે અહીં પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટે હરાવીને  સિઝનમાં ત્રીજી જીત મેળવી હતી.
મુંબઇએ આપેલું 162 રનનું લક્ષ્ય પાંચ દડા બાકી હતા, ત્યારે જ પાંચ વિકેટ ખોઇને આંબી લેનારા રાજસ્થાન વતી સુકાની સ્મિથે 48 દડામાં પાચ ચોગ્ગા, 1 છગ્ગા સાથે 59 રન ફટકારી દીધા હતા.
સામો છેડો સાચવતાં પરાગે 29 દડામાં પાંચ ચોગ્ગા, 1 છગ્ગા સાથે ઝડપી 43 રન ઝૂડી દીધા હતા. સંજુ સેમસને 19 દડામાં છ ચોગ્ગા, 1 છગ્ગા સાથે વેગીલા 35 રન કરીને ઉપયોગી યોગદાન આપ્યું હતું.
પૂર્વ સુકાની અજિંક્ય રહાણે માત્ર 12 રનમાં ચહરની બોલિંગમાં યાદવને કેચ આપી બેસતાં વિકેટ ખોઇ બેઠો હતો.
અગાઉ, રાજસ્થાને ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે  20 ઓવરમાં 5 વિકેટે 161 રન કર્યા હતા.
ક્વિન્ટન ડિ'કોકે 47 દડામાં છ ચોગ્ગા, બે છગ્ગા સાથે શાનદાર 65 રન ફટકાર્યા હતા. પરંતુ મુંબઇ ચોથી મેચ હારી જતાં ડિ'કોકની અર્ધસદી એળે ગઇ હતી.
સૂર્યકુમાર યાદવે 33 દડામાં 1 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 34, હાર્દિક પંડયાએ 15 દડામાં 2 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 23 રન કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer