આગામી વર્ષે એફઆઈએચ પ્રો લીગ રમશે ભારતીય પુરુષ હોકી ટીમ

આગામી વર્ષે એફઆઈએચ પ્રો લીગ રમશે ભારતીય પુરુષ હોકી ટીમ
નવી દિલ્હી, તા. 20 : ભારતીય પુરૂષ હોકી ટીમ જાન્યુઆરીમાં યોજાયેલી પહેલી એફઆઈએચ પ્રો લીગમાંથી હટયા બાદ આગામી વર્ષે આ લીગમાં ભાગ લેશે. લીગમાં ભારતની વાપસીનું સમર્થન કરતા આંતરરષ્ટ્રીય હોકી મહાસંઘે કહ્યું હતું કે, ભારતના નિર્ણયને અન્ય પ્રતિસ્પર્ધી દેશોનું સમર્થન છે. એફઆઈએચએ પોતાની કાર્યકારી બોર્ડની બેઠક બાદ કહ્યું હતું કે, ભારતીય પુરૂષ ટીમ 2020થી એફઆઈએચ પ્રો લીગ સાથે જોડાશે. જેને સર્વસંમતિ મળી છે. જુલાઈ 2017માં હોકી ઈન્ડિયાએ પુરૂષ અને મહિલા બન્ને રાષ્ટ્રીય ટીમોને પ્રતિયોગીતાથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેની પાછળનું કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નહોતું. પરંતુ એવી અટકળો શરૂ થઈ હતી કે મહિલા ટીમની ખરાબ રેન્કિંગના કારણે બન્ને પ્રતિયોગતાઓમાંથી દૂર થવું પડયું હતું. કારણ કે માત્ર એક ટીમને હટાવવાનો વિકલ્પ હતો નહીં.  એફઆઈએચના સીઈઓ થિયેરી વીલે કહ્યું હતું કે, ભારતનો એફઆઈએચ પ્રો લીગ સાથે જોડાવાનો નિર્ણય શાનદાર છે. દેશમાં હોકીને લઈને ભારે જુસ્સો છે અને તેનાથી નવી પ્રતિયોગિતાઓને ફાયદો મળશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer