જેટ ઍરવેઝના બેકાર કર્મચારીઓને સ્પાઇસ જેટનો દિલાસો

100 પાઇલટ સહિત પાંચસો કર્મચારીઓને કામ અપાયું, વધુ ભરતીનું આશ્વાસન 

મુંબઈ, તા.20 : બૅન્કોના જૂથ તરફથી 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ ન મળવાના કારણે જેટ ઍરવેઝ સંપૂર્ણપણે બંધ કરાયાના પગલે આ વિમાની કંપનીના દેશભરના વીસ હજારથી વધુ કર્મચારીઓ બેકાર બની ગયા છે. જોકે, સ્પાઇસ જેટ જેટ ઍરવેઝના કર્મચારીઓની મદદે આવી છે અને 100 પાયલટ સહિત લગભગ પાંચસો કર્મચારીઓને સ્પાઇસ જેટમાં સમાવી લેવાયા છે. આ ઉપરાંત સ્પાઇસ જેટે બેકાર બનેલા વધુ કેટલાંક કર્મચારીઓને પણ કામે રાખવાની તૈયારી દાખવતા જેટ ઍરવેઝના કર્મચારીઓને દિલાસો મળ્યો છે. 
સ્પાઇસ જેટ તરફથી જણાવાયું હતું કે આગામી સમયમાં અમે નવા વિમાન માર્ગોમાં અૉપરેશન્સ શરૂ કરવાના છીએ અને આ માટે નવા 27 વિમાનો પણ આવશે. જેટ ઍરવેઝની આંતરરાષ્ટ્રીય અને આંતરદેશીય વિમાની સર્વિસો બંધ થયા બાદ હવે સ્પાઇસ જેટ તેનું સ્થાન લેવા માગે છે, એમ કહેવાઇ રહ્યું છે. સ્પાઇસ જેટના અધ્યક્ષ અજય સિંહે કહ્યું હતું કે અમારી કંપનીમાં કર્મચારીઓની ભરતીમાં જેટ ઍરવેઝના કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer