લક્સ ઈન્ડસ્ટ્રીઝ નવી પ્રોડક્ટના માર્કેટિંગ માટે રૂા.30 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, તા. 20 : લક્સ ઈન્ડસ્ટ્રીઝે તેની ફ્લેગશીપ બ્રાન્ડ લક્ઝ કોઝી હેઠળ દેશમાં સૌ પ્રથમવાર સેન્ટેડ વેસ્ટ્સ રેન્જ રજૂ કર્યા છે. કંપની પુરુષોની ઈનરવેર કેટેગરીમાં આ નવીનતા લાવી છે. લક્સ કોઝીના બ્રાન્ડ એમબેસેડર વરુણ ધવને આ શ્રેણી રજૂ કરી હતી.  
સિનિયર વાઈસ પ્રેસિડન્ટ નવીન તોડીએ કહ્યું કે કંપની આ શ્રેણીના પ્રમોશન માટે ત્રણ મહિનામાં રૂા. 30 કરોડનું રોકાણ કરશે. ટેલિવિઝન અને ડિજિટલ માર્કેટિંગ માટે 70 ટકા રકમ અને પ્રિન્ટ મીડિયા માટે 30 ટકા રકમ ખર્ચવામાં આવશે. 
તોડીએ કહ્યું કે પહેલા ત્રિમાસિક દરમિયાન સેન્ટેડ વેસ્ટ્સ શ્રેણી ના માર્કેટિંગ ઉપર ધ્યાન આપવામાં આવશે. ભારતીય બજાર માટે આ શ્રેણી નવી છે. પ્રારંભિક પ્રતિભાવ આવ્યા પછી આગળની યોજના ઘડાશે.  
મૅનાજિંગ ડિરેક્ટર પ્રદીપ તોડીએ કહ્યું કે આ નવી શ્રેણીનું સર્જન ઘણા સંશોધન પછી કરાયું છે. સેન્ટેડ વેસ્ટ્સ બનાવવાનો વિચાર બ્રાન્ડ એમ્બેસેડર વરુણ ધવનનો છે. વરુણે એક વાર હળવા મૂડમાં વેસ્ટ્સમાં ફ્રેગરન્સ ઉમેરવાની વાત કહી પણ અમારી ટીમે તેને ગંભીરતાથી લીધી હતી. એક વર્ષના સંશોધન અને પ્રયોગો પછી કંપનીએ જાસ્મીનના ફ્રેગરન્સવાળી વેસ્ટ્સ બજારમાં રજૂ કરી છે.  
ચૅરમૅન અશોક તોડીએ કહ્યું કે ગ્રાહકોની માગ વધતાં વધુ ફ્રેગરન્સ ઉમેરવામાં આવશે.  
પ્રદીપ તોડીએ કહ્યું કે કંપનીની મુખ્ય બિઝનેસ વ્યૂહરચનાના ભાગરૂપે અમે પ્રોડક્ટ્સમાં સતત નવીનતા લાવવાનો પ્રયાસ કરીએ છીએ. લક્સ કોઝી હેઠળ સેન્ટેડ વેસ્ટસ ઉમેરવાથી સ્ટાઈલનો ઉમેરો થયો છે અને વપરાશકારને આ ઉનાળામાં તરોતાજા રાખે છે. આ સેન્ટેડ વેસ્ટ્સ સો ટકા કોટન કાપડમાંથી બનાવાઈ છે. તેને સતત ધોવાથી પણ તેની ફ્રેગરન્સ જળવાઈ રહેશે. 
વરુણ ધવને કહ્યું કે લક્સ કોઝી ક્વોલિટી, કમ્ફર્ટ અને ટકાઉપણા માટે જાણીતી શ્રેણી છે. દેશની પહેલી સેન્ટેડ વેસ્ટ્સ શ્રેણી કંપનીનું નૂતન સર્જન છે અને ગરમીના દિવસોમાં આ પ્રોડક્ટ ક્રાંતિ લાવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer