બાટલા હાઉસ પર સવાલ શહીદોનું અપમાન

બિહારમાં મોદીના કૅંગ્રેસ પર પ્રહાર : બંગાળમાં મમતા, ઉ.પ્ર.માં સપા-બસપા પર નિશાન

નવી દિલ્હી, તા. 20 : લોકસભા ચૂંટણીપ્રચાર અભિયાન છેડતાં દેશના વિવિધ ભાગોમાં ફરી વળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીસભાઓ ગજવતા વિપક્ષો પર આકારા પ્રહાર કર્યા હતા.
બિહારના અરરિયામાં સભા સંબોધતા મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને એવો સવાલ કર્યો હતો કે, બાટલાહાઉસ પર સવાલ ઊઠાવવો એ શું એ કાંડના શહીદોનું અપમાન નહોતું?
ચૂંટણી અભિયાન દરમ્યાન હવાઈ હુમલા પર સવાલ પૂછી બતાવો તેવી ચેતવણી કોંગ્રેસ સહિત વિપક્ષોને આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, બે તબક્કાના મતદાન બાદ કેટલા આતંકી મર્યા, તે પૂછવાનું કે પુરાવા માગવાનું વિપક્ષે બંધ કરી દીધું છે. 
બીજી તરફ બંગાળના બુનિયાદપુરમાં મુખ્યમંત્રી પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે મમતા બેનર્જી વોટબેન્ક અને તૃષ્ટિકરણ માટે બીજા દેશના લોકોને બોલાવીને પ્રચાર કરાવી રહ્યા છે.
`સ્પીડબ્રેકર દીદી'ને 23 મે પછી સમજાઈ જશે કે, જનતા સાથે ગુંડાગીરી કરવા, પૈસા લૂટવા અને વિકાસ રોકવાના પરિણામો શું આવે છે, તેવા પ્રહારો તેમણે મમતા પર કર્યા હતા.
ઉત્તર પ્રદેશના એટામાં સભા સંબોધતા મોદીએ માયાવતી-મુલાયમની મિત્રતા પર પ્રહાર કરીને કહ્યું હતું કે, સપા-બસપાની દોસ્તી તૂટવાની તારીખ 23મી મે નક્કી થઈ ચૂકી છે.
કોઈ નીતિ-ધર્મથી પહેલાં અમે સૌ ભારતીય છીએ. મા ભારતીની સેવા પૂરી પ્રામાણિકતાથી કરી છે. કોંગ્રેસે પાકિસ્તાન પર કાર્યવાહીથી ખુશ થવાના સ્થાને હિન્દુઓને આતંકવાદ સાથે જોડયા, તેવા પ્રહારો વડાપ્રધાને કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer