જેટની ફ્લાઈટો બંધ થતાં મુંબઈ ઍરપોર્ટના

ડૉમેસ્ટિક ટર્મિનલ પર પ્રવાસીઓ ઊભરાય છે : ફ્લાઈટ ન ચૂકી જવી હોય તો બે કલાક પહેલાં પહોંચી જાવ
 
મુંબઈ, તા. 20 : છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ડૉમેસ્ટિક ટર્મિનલ પરથી જો તમને ફ્લાઈટ પકડવી હશે તો હવે ફ્લાઈટના સમય કરતાં ઓછામાં ઓછા બે કલાક વહેલા પહોંચી જવું આવશ્યક બની ગયું છે. અન્યથા ભારે ગિરદી અને મોટી કતારોને કારણે તમે ફ્લાઈટ ચૂકી પણ શકો છો.
ડૉમેસ્ટિક ટર્મિનલ પર પ્રવાસીઓની સંખ્યા રોજની લગભગ 30 હજાર જેટલી વધી ગઈ છે. જેટ ઍરવેઝની બધી ફ્લાઈટો બંધ થતાં અહીંથી જે ઍરલાઈનોની ફ્લાઈટો રવાના થાય છે તેને પ્રવાસીઓએ અગ્રતા આપી હોવાથી ડૉમેસ્ટિક ટર્મિનલ રોજ પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યું છે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-1 પરથી ઇન્ડિગો, ગોઍર, સ્પાઈસ જેટ વગેરે ઍરલાઈનોની ડૉમેસ્ટિક ફલાઈટો ઉડાન ભરે છે. જ્યારે ટર્મિનલ-2 પરથી ઍર ઇન્ડિયા અને વિસ્તારાની ડૉમેસ્ટિક તેમ જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ રવાના થાય છે. જેટ ઍરવેઝની ફલાઈટો પણ ટર્મિનલ-2 ખાતેથી છૂટતી હતી, પરંતુ જેટ ઍરવેઝની બધી ફલાઈટો હાલ બંધ થઈ ગઈ હોવાથી પ્રવાસીઓનો ધસારો હવે ટર્મિનલ-1 (ડૉમેસ્ટિક) તરફ વળ્યો છે.
જેટ ઍરવેઝની મુંબઈથી રોજ સરેરાશ 152 ફ્લાઈટો ઉડાણ ભરતી હતી. જેમાંથી 125 સેવા ડોમેસ્ટિક હતી. એ માટે કંપની 180થી 300 સીટનાં વિમાન વાપરતી હતી. આથી રોજ સરેરાશ 29 હજારથી 31 હજાર પ્રવાસીઓ જેટની ફ્લાઈટો દ્વારા વિવિધ ગંતવ્ય સ્થળોએ જતા હતા. હવે આ પ્રવાસીઓ ડૉમેસ્ટિક ટર્મિનલથી છૂટતી અન્ય ઍરલાઈનોની ફ્લાઈટો પકડી રહ્યા છે. આથી અહીં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે.
ટર્મિનલ-1 એ ટર્મિનલ બે કરતાં નાનું છે. આથી અહીં ભારે ગિરદી થાય છે, પણ હવે અચાનક 30 હજાર પ્રવાસીઓ વધી જતા અહીં કતારો વધી ગઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer