કોસ્ટલ રોડના વિરોધમાં વરલી કોલીવાડાના રહેવાસીઓ મતદાનનો બહિષ્કાર કરશે

મુંબઈ, તા.20 : શિવસેનાનો પરંપરાગત મત વિસ્તાર મનાતા વરલી કોલીવાડાના લોકોએ કોસ્ટલ રોડ યોજનાના વિરોધમાં મતદાનના બહિષ્કારનો સંકેત આપ્યો છે. તેના કારણે દક્ષિણ મુંબઈના ભાજપ-શિવસેના યુતીના ઉમેદવાર અને શિવસેનાના હાલના સંસદસભ્ય અરવિંદ સાવંતને ફટકો પડવાની શક્યતા છે. વરલી કોલીવાડાના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે કોસ્ટલ રોડના કામ પર બૉમ્બે હાઈ કોર્ટે સ્ટે અૉર્ડર આપ્યો હોવા છતાં કોઇ પણ પાર્ટીએ આ યોજનાના કારણે માછીમારોને થનારા નુકસાનની નોંધ પણ નથી લીધી અને કોઇએ અમારી કોઇ પણ પ્રકારની મદદ પણ નથી કરી. 
વરલી કોલીવાડા વિસ્તારમાં 40 હજાર પરિવારો વસે છે અને કોસ્ટલ રોડ યોજના વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ પણ કોઇ પાર્ટી તેમને ન્યાય માટે આગળ નથી આવી, એમ આ વિસ્તારમાં રહેતા માછીમારોએ કહ્યું હતું.
આ વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર કરવાની અપીલ કરતા પોસ્ટરો અને હેન્ડબિલ પણ ચીપકાવાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer