પ્રવાસીઓને પડી ગઈ મજા

મધ્ય રેલવેનું ફૂડ સ્ટોલમુક્ત એકમાત્ર પરેલ ટર્મિનસ
 
અન્ય સ્ટેશનોએ દાખલો લેવો જોઈએ

મુંબઈ, તા. 20 : મધ્ય રેલવેના પરેલ સ્ટેશનનું ઉપનગરીય લોકલ ટર્મિનસમાં રૂપાંતર કરીને ગત 3 માર્ચે તે પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું હતું. પરેલ ટર્મિનસ એ મધ્ય રેલવેમાં ફૂડ સ્ટોલમુક્ત એકમાત્ર ટર્મિનસ છે. આ ટર્મિનસની ફૂડ સ્ટોલમુક્તિને કારણે પ્લેટફોર્મ પર પ્રવાસીઓને આવવા-જવાની ભરપૂર જગ્યા ઉપલબ્ધ થઈ છે. હવે પ્રવાસીઓની માગણી છે કે અન્ય ભારે ગિરદીવાળાં સ્ટેશનોએ પણ પરેલનો દાખલો લેવો જોઈએ.
હોમ પ્લેટફોર્મ સહિત પરેલ સ્ટેશને બે પ્લેટફોર્મ કાર્યરત છે. આ સ્ટેશને શૌચાલય અને એસ્કેલેટર પણ વિશિષ્ટ જગ્યાએ ઊભા કરાયા છે. આથી પ્રવાસીઓને વિશાળ જગ્યા ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત સ્ટેશનો પૂર્વ-પશ્ચિમ દિશાથી જોડવા માટે રાહદારી પુલ, પંખા, આધુનિક ઈન્ડિકેટર, એલઈડી લાઈટ વગેરેની સુવિધા પણ કરાઈ હોવાથી ઉનાળામાં પ્રવાસીઓને રાહત થઈ છે.
પરેલ સ્ટેશનનો ફૂડ સ્ટોલમુક્તિનો આદર્શ મધ્ય રેલવે મેઈન, હાર્બર અને પશ્ચિમ રેલવેએ પણ લેવો જોઈએ.
શહેરમાં હાલ ચાલતું મેટ્રો રેલવેનું બાંધકામ, માર્ગો પર થતા ટ્રાફિકજામ, રેલવે સ્ટેશનો પરની પુલબંધી વગેરેને લીધે પ્લેટફોર્મ પર ચાલવાની જગ્યા રહેતી નથી. સવારે - સાંજે ધસારાના સમયે વરિષ્ઠ નાગરિકો, અશક્ત લોકો, મહિલાઓ, વિદ્યાર્થીઓની હાલત કફોડી થાય છે. આવા સંજોગોમાં પ્લેટફોર્મસ પરના ફૂડ સ્ટોલ હટાવવા જરૂરી છે, એવું મંતવ્ય થાણેના રહેવાસી દિનકર પાટીલે વ્યક્ત કર્યું હતું.
પરેલ સ્ટેશનમાંથી 16 અપ અને 16 ડાઉન લોકલ ટ્રેનો રવાના થઈ રહી છે. આથી દાદર સ્ટેશન પરનો થોડો બોજો ઘટયો છે. હાલ દાદર પૂર્વમાં ફુલ માર્કેટની દિશામાં ઊતરતા રેમ્પનું કામ શરૂ છે. ત્યારે કેટલીક લોકલ ટ્રેનો કામચલાઉ રીતે પરેલ હોમ સ્ટેશનેથી શરૂ કરવી જોઈએ, જે પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક બની શકશે, એવું મંતવ્ય ભાંડુપના અમોલ વાલાવલકરે વ્યક્ત કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer