ફ્રાંસમાં અનિલની પેટાકંપનીને 1200 કરોડની કરછૂટથી વિવાદ

ફ્રાંસમાં અનિલની પેટાકંપનીને 1200 કરોડની કરછૂટથી વિવાદ
શનિવારે ફ્રાંસના અખબાર `લે મોન્ડે'માં અહેવાલ પ્રસિદ્ધ થતાં ભારતમાં ચકચાર
 
કરમુક્તિને રફાલ સોદા સાથે લગીરે સંબંધ નથી : સંરક્ષણ મંત્રાલય
 
નવી દિલ્હી, તા. 13 : 2015ના વર્ષમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનની ફ્રાંસમાં નોંધાયેલી સબસિડરીય કંપનીને લગભગ 143.7 મિલિયન યુરો એટલે કે અંદાજે 1200 કરોડનો કર ફ્રાંસે માફ કરી દીધો હતો અને આ માફી 36 રાફેલ વિમાનની ભારત દ્વારા ખરીદીની જાહેરાતના મહિનાઓમાં જ આપવામાં આવી હોવાનો હેવાલ શનિવારે ફ્રાંસના અખબાર `લે મોન્ડે'માં પ્રસિદ્ધ થતાં ભારતમાં ચકચાર જારી છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેની કર્ણાટક ખાતેની સભામાં કહ્યું કે, લોકસભા ચૂંટણી એ અનિલ અંબાણી અને સામાન્ય લોકોની વચ્ચે છે, તો સંરક્ષણ મંત્રાલયે આ બબાલ વચ્ચે ખુલાસો કર્યો હતો કે, રાફેલ વિમાનની સાથે કરછૂટની બાબતને લગીરે સંબંધ નથી અને આ રીતે જોડવું ખોટું અને અયોગ્ય છે.
બીજી તરફ આ મામલે પ્રતિભાવ આપતાં રિલાયન્સ કોમ્યુનિકેશને કંઈ પણ ખોટું થયાની વાત સ્પષ્ટપણે નકારી કાઢતાં કહ્યું હતું કે, આ કરવિવાદ કાયદાની મર્યાદામાં જ થાળે પડી ગયો છે જે ફ્રાંસમાં કામ કરતી બધી જ કંપનીઓ માટે ઉપલબ્ધ છે.
ફ્રાંસના અખબારે તેના હેવાલમાં દાવો કર્યો હતો કે, 151 મિલિયન યુરોની મૂળ માગણી સામે ફ્રાંસ કર સત્તાવાળાઓએ 7.3 મિલિયન યુરો સ્વીકાર્યા હતા. રિલાયન્સ ફલેગ કંપની ફ્રાંસમાં કેબલ નેટવર્ક અને અન્ય ટેલિકોમ માળખું ધરાવે છે. માધ્યમોના દાવા મુજબ કરવેરાની બાકી રકમને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ રદ કરી નાખી હતી. અધિકારીઓએ અનિલ અંબાણીની મદદ કરી દેવાંની રકમ ઘટાડી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer