કૉંગ્રેસે કબૂલ્યું કે 69 વર્ષ અન્યાય કર્યો

કૉંગ્રેસે કબૂલ્યું કે 69 વર્ષ અન્યાય કર્યો
તામિલનાડુમાં પીએમ મોદીના પ્રહાર : એટલે જ હવે `ન્યાય'ની વાતો કરે છે
 
થેની (તામિલનાડુ),  તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુથી કોંગ્રેસની `ન્યાય' યોજના પર આકરો પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અને બેઈમાની વચ્ચે ગાઢ મૈત્રી છે. હવે ન્યાય થશે એમ કહીને તેઓ એ બાબતનો સ્વીકાર કરી રહ્યા છે કે પાછલા 69 વર્ષથી તેમણે અન્યાય કર્યો છે. થેની ખાતે જાહેરસભામાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી એમજીઆર અને જયલલિતાને અંજલિ આપતાં કહ્યું હતું કે બંને પ્રતિષ્ઠિત નેતાઓ પર ગર્વ છે જે ગરીબો માટે જીવતા અને કામ કરતા હતા.
વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે દ્રમુક, કોંગ્રેસ અને તેમના મહામિલાવટી મિત્ર વિશ્વપટલ પર ભારતની પ્રગતિને સાંખી શકતા ન હોવાને કારણે તેમનાથી નારાજ છે. દ્રમુક-કોંગ્રેસ જોડાણ અંગે તેમણે કહ્યું કે જે ઘોર શત્રુ હતા તેમણે હાથ મિલાવી લીધા છે. તેમણે દ્રમુક અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનના એ પ્રયાસ પર પણ વ્યંગ્ય કર્યો હતો જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યંy કે લોકોને ગેરમાર્ગે દોરવવા માટે અને મોદીને હરાવવા માટે બધા ભ્રષ્ટ લોકો એકજૂટ થયા છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને બેઈમાનીએ હાથ મિલાવી રાખ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક સાચું બોલી જ જતા હોય છે. તેઓ કહી રહ્યા છે કે હવે થશે `ન્યાય'. આમ કહીને તેઓ એ બાબત સ્વીકારી રહ્યા છે કે પાછલા 69 વર્ષથી તેમણે અન્યાય જ કર્યો છે.
પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ અને તેમના પુત્ર પર પણ પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે આપણે શું જોયું? પિતા નાણામંત્રી બને અને પુત્રે દેશને  લૂટયો. જ્યારે પણ સરકારમાં રહ્યા, હંમેશાં લૂંટતા રહ્યા. 
મોદીએ કહ્યું કે અમને કિસાનોની સિંચાઈની તકલીફોની જાણ છે. અમે વચન આપીએ છીએ કે અહીંની વૈગાઈ નદીને ગંગાની જેમ સંરક્ષિત કરશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer